કેન્દ્ર સરકારે હોસ્પિટલોમાં ડોકટરો અને નર્સોની સુરક્ષાને લઈને એક મોટું પગલું ભર્યું છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર કેન્દ્રીય ગૃહ સચિવ અને કેન્દ્રીય આરોગ્ય સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને ડીજીપી સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં હોસ્પિટલોમાં સુરક્ષા વધારવા, માજી સૈનિકોની સુરક્ષા કર્મચારી તરીકે નિમણૂંક અને ડોક્ટરોની સુરક્ષા માટે કાયદો બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલામાં આ બેઠક થઈ હતી. આ ઘટના બાદ દેશભરમાં ડોક્ટરોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક સૂત્રએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે હોસ્પિટલોમાં વ્યાપક સુરક્ષા ઓડિટ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ, એસપી અને જિલ્લા હોસ્પિટલો અને મેડિકલ કોલેજોના ડીન/નિર્દેશકો આ પ્રક્રિયામાં સામેલ થશે.
બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન અને કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી. આ સાથે, સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર, હોસ્પિટલોમાં કામ કરતા લોકોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા પર પણ વિચારણા કરવામાં આવી હતી.કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને કહ્યું કે જે હોસ્પિટલોમાં ઘણા લોકો આવે છે ત્યાં સુરક્ષા જોખમ વધારે છે. આવા સ્થળોએ કોઈપણ અપ્રિય ઘટના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. તેમણે આવી હોસ્પિટલોને ઓળખવા અને ત્યાં સુરક્ષા વધારવા પર ભાર મૂક્યો હતો.
મોહને હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન, સ્થાનિક પોલીસ અને આરોગ્ય અધિકારીઓ સાથે મળીને સુરક્ષા ઓડિટ કરવા જણાવ્યું હતું. તેમણે ઈમરજન્સી રૂમ અને આઈસીયુ જેવી સંવેદનશીલ જગ્યાઓ પર વિશેષ યાન આપવાની વાત કરી હતી. ગોવિંદ મોહને હાઈ રિસ્ક ઝોનમાં સીસીટીવી કેમેરા લગાવવા અને જાળવવા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે આ કેમેરાઓને સ્થાનિક પોલીસ સાથે જોડવા જોઈએ જેથી જો જરૂર પડે તો તરત જ ફૂટેજ જોઈ શકાય.
બેઠકમાં એવી પણ માહિતી આપવામાં આવી હતી કે ગૃહ મંત્રાલય એક ’મોડલ કાયદો’ તૈયાર કરશે, જે રાજ્યો માટે હોસ્પિટલોમાં સલામતી અને હિંસા સંબંધિત તેમના કાયદાઓને સુધારવા માટે માર્ગદશકા તરીકે કામ કરશે. ઘણા રાજ્યોમાં પહેલાથી જ હોસ્પિટલની સલામતી અને હિંસા સંબંધિત પોતાના કાયદાઓ છે, પરંતુ તે નક્કી કરવામાં આવ્યું હતું કે આ કાયદાઓની સમીક્ષા કરવી જોઈએ અને વર્તમાન માંગણીઓ અને નવીનતમ કાયદાકીય માળખા સાથે સંરેખિત થવી જોઈએ.આ બેઠકમાં એવી પણ દરખાસ્ત કરવામાં આવી હતી કે હોસ્પિટલોમાં કામ કરતા તમામ આઉટસોર્સ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓની કડક ચકાસણી થવી જોઈએ.
આ બાબતને ગંભીરતાથી લઈને કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે. કેન્દ્ર સરકારે રાજ્યોને હોસ્પિટલોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવા સૂચના આપી છે. તેમજ હોસ્પિટલોમાં કામ કરતા કર્મચારીઓ સાથે મારપીટ અને ગેરવર્તન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ સિવાય કેન્દ્ર સરકાર ભૂતપૂર્વ સૈનિકોને સુરક્ષા કર્મચારી તરીકે નિયુક્ત કરવા પણ વિચારી રહી છે. કેન્દ્ર સરકાર માને છે કે ભૂતપૂર્વ સૈનિકો પાસે સુરક્ષાનો સારો અનુભવ છે અને તેઓ હોસ્પિટલોમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. કેન્દ્ર સરકારે પણ રાજ્યોને ડોક્ટરોની સુરક્ષા માટે કાયદો બનાવવાનું સૂચન કર્યું છે. ઘણા રાજ્યોમાં પહેલાથી જ ડોક્ટરોની સુરક્ષા માટે કાયદા છે, પરંતુ કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે આવા કડક કાયદા તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવે.
૨૨ ઓગસ્ટના રોજ કેન્દ્રીય આરોગ્ય સચિવે તમામ રાજ્યોને પત્ર લખીને હોસ્પિટલોમાં આંતરિક ફરિયાદ સમિતિઓ બનાવવા, રાત્રે ડોક્ટરો અને નર્સોની સુરક્ષા માટે વ્યવસ્થા કરવા અને સીસીટીવી કેમેરા લગાવવા નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ ૨૮ ઓગસ્ટે કેન્દ્રીય ગૃહ સચિવ અને કેન્દ્રીય આરોગ્ય સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને ડીજીપી સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સુપ્રિમ કોર્ટના નિર્દેશો પર ચર્ચા કરવામાં આવી હતી અને ડોકટરોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા પર સહમતિ સધાઈ હતી. કેન્દ્ર સરકારનું માનવું છે કે આ પગલાંથી હોસ્પિટલોમાં ડોકટરો અને નર્સોની સુરક્ષા સુનિશ્ર્ચિત થશે અને તેમને વધુ સારા વાતાવરણમાં કામ કરવાની તક મળશે.