ભાવનગરમાં ઈલેકટ્રીક કોન્ટ્રાક્ટર અને રેલવે તરફથી આપવામાં આવતી કન્સ્લટન્સીનું કામ કરતી વ્યક્તિ પાસેથી રૂ.૧૫,૦૦૦ ની લાંચ લેતા ડીઆરએમ ઓફિસના ક્લાર્કની એસીબીએ ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક ક્લાર્કની શોધ હાથ ધરી છે.આ બનાવની વિગત મુજબ ફરિયાદી સુરેન્દ્રનગરના લીંમડીમાં રેલ્વેની હદ નજીકની જમીનમાં બાંધકામ કરવા માટે એનઓસી મેળવવા ૨૦ મે ૨૦૨૨ ના રોજ અરજી કરી હતી.
ચાર મહિના અગાઉ આ અરજી ડીઆરએમ ઓફિસ, ભાવનગર આવી ગઈ હોવાનું જણાતા તે એનઓસી લેવા માટે ગયો હતો. જ્યાં એનઓસી ઈશ્યુ કરવાનું કામ કરતા ડીઆરઓમ ઓફિસના નિર્માણ વિભાગમાં કામ કરતા ક્લાર્ક કાળુભાઈ ડી.દુબલ અને ક્લાર્ક પ્રશાંત પંડ્યાએ લાંચની માંગણી કરી હતી અને બાદમાં ધક્કા ખવડાવતા હતા. જકે ઉપિયાદીએ પૈસાની વ્યવસ્થા થશે એટલે પૈસા આપી દેશે કહેતા તેને એનઓસી આપવામાં આવી હતી.
બાદમાં આરોપી કાળુભાઈ દુબલે અવારનવાર પૈસાની માંગણી કરતા ફરિયાદીએ અન્ય આરોપી પ્રશાંત પંડ્યાને એટવાન્સમાં તેના ભાગના પૈસા આપી દીધા હોવાનું જણાવ્યું હતું. તેમછતા ફરિયાદીને એનઓસીના અન્ય કામો અટકાવી દેવાની ધમકી આપી હતી.અંતે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ ડીઆરએમ ઓફિસ ભાવનગર ખાતે રેલવે કોમ્યુનિટી હોલની સામે જાળ બિછાવીને રૂ.૧૫,૦૦૦ ની લાંચ લેતા કાળુભાઈ દુબલની ધરપકડ કરી હતી. જ્યારે પ્રશાંત પંડ્યા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.