કાલોલના પીંગળી ગામનુ તળાવ ઓવરફલો થતાં રસ્તા ધોવાયા

કાલોલ તાલુકાના પીંગળી ગામનુ પાવોઈ તળાવ વ્યાપક વરસાદને પગલે ઓવરફલો થતાં તળાવ પાળ પર બનેલા રોડનુ ધોવાણ થઈને પાળીમાં ફાટ પડી હતી. જેથી વહીવટી તંત્રએ તાત્કાલિક અસરથી ધટના સ્થળની મુલાકાત કરી પાણી પહેલા પાળ બાંધવા સમાન પાળીને થયેલા નુકસાનનુ સમારકામ હાથ ધર્યુ હતુ.

પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના પીંગળી ગામનુ પાવોઈ તળાવ 300/400 મીટરનુ ક્ષેત્રફળ અને 30/40 ઉંડાઈ ધરાવે છે. જે તળાવમાં તાજેતરમાં સપ્તાહમાં થયેલા વ્યાપક વરસાદને પગલે તળાવનુ પાણી ઓવરફલો થતાં તળાવની પાળી પર બનેલા રોડનુ ધોવાણ થઈને પાળીમાં ફાટ પડી હોવાની ધટના પ્રકાશમાં આવી હતી. આ ફાટ જો વ્યાપક બને તો તળાવના પાણી ગામમાં પણ ધુસીને ગામને ભારે નુકસાન પહોંચાડે તેવી દહેશત સર્જાતા ગામલોકોએ પડેલી ફાટ અંગે સ્થાનિક પંચાયત અને સ્થાનિક પંચાયતે પંચમહાલ જિલ્લા સાંસદ, ધારાસભ્ય, અને કાલોલ ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરતા કાલોલ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા માર્ગ અને મકાન વિભાગના અધિકારી સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટના સ્ટાફે તળાવની મુલાકાત કરીને તળાવમાં ઓવરફલો થયેલા પાણીનો કોતરની રાહે નિકાલ કરીને પાળી પર થયેલા નુકસાનનુ સમારકામ કર્યુ હતુ.

કાલોલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની અસરકારક કાર્યવાહીને પગલે પીંગળી ગામનુ તળાવ દહેશત મુકત બનતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે વ્યાપક વરસાદને પગલે પીંગળી ગામના આ તળાવના પાણી તળાવ આસપાસના ખેતરોમાં પણ ભરાઈ જતાં ગામના તળાવ આસપાસના 50/60 ખેડુતોના ખેતરોમાં ઉભા પાકને નુકસાન પહોંચવા અંગે પણ તંત્રનુ ઘ્યાન દોર્યુ હતુ.