ઝાલોદ તાલુકાના કંબોઈ ખાતે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી

પોષણ અભિયાન અંતર્ગત ઝાલોદ તાલુકાના કંબોઈ આંગણવાડી કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય પોષણ માસ”ની ઉજવણી જીલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી.

આ પ્રસંગે જીલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણએ જણાવ્યું કે, પોષણ અભિયાનનો આરંભ દાહોદ જીલ્લાથી કર્યો છે. પોષણ અભિયાનને સફળ બનાવવા માટે સૌથી અગત્યની બાબત જનભાગીદારી છે. તેમાં પાલક વાલીની ભૂમિકા ખૂબ અગત્યની છે. પાલક વાલી દર અઠવાડિયે બાળકની મુલાકાત લે. વાલીની મુલાકાત લે અને તેની ઉંમર પ્રમાણે વજન, ઉંચાઇ છે કે નહી તેની ખાસ કાળજી રાખે. જરૂર જણાય તો યોગ્ય ડોકટરી સારવાર પણ માટે પણ વાલીને સમજાવે.

બાળકોને સુપોષિત કરવા એ દેશઘડતરનું ઉમદા કામ છે. તેમણે આંગણવાડી કાર્યકર્તા પોષણ ત્રિવેણીની અગત્યતા સમજાવતા જણાવ્યું કે, કુદરતે તમને સાચા અર્થમાં માતા યશોદા બનવાની તક આપી છે. પોષણ ત્રિવેણી તેમને સોંપેલ કામગીરી નિયત માપદંડ પ્રમાણે કરશે તો તે સાચી સમાજસેવા ગણાશે. તમને આપવામાં આવેલા સ્માર્ટ ફોનનો પણ યોગ્ય ઉપયોગ કરવો જોઇએ જેનાથી બાળકોની પોષણ બાબતે વ્યક્તિગત ટ્રેકિંગ રાખી શકાય છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, સમાજના નાગરિકોએ પણ કુપોષણ બાબતે જાગૃક બનવું ખૂબ જરૂરી છે. બાળકોના નખ કાપીને રાખવા, નિયમિત આંગણવાડી મોકલવા, બાળકોમાં સ્વચ્છતાની સુટેવો વિકસાવવા જેવી બાબતો કુંટુંબમાં જ સંસ્કાર થકી થઇ શકે છે. કુંટુંબના સભ્યોએ બાળકોના પોષણ બાબતે ખાસ ધ્યાન રાખવું જોઇએ.

સરકાર દ્વારા આપવામાં આવતું ટેક હોમ રાશન ખૂબ સંશોધન બાદ તૈયાર કરવામાં આવ્યું છે તેનો બાળકો માટે આગ્રહપૂર્વક ઉપયોગ કરવો જોઇએ. સગર્ભાવસ્થાના 270 દિવસથી લઇને બાળકનાં 2 વર્ષની ઉંમર સુધીનો સમયગાળો એટલે કે 1000 દિવસ પૂરતું પોષણ બાળકના સર્વાગી વિકાસ માટે ખૂબ જ મદદરૂપ છે. માટે આ સમયગાળા દરમ્યાન ખૂબ કાળજી લેવી જરૂરી છે.

મહાનુભાવો દ્વારા વાનગી નિદર્શન સ્ટોલની પણ મુલાકાત લીધી હતી.

આ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર માસ દરમિયાન બાળકો, કિશોરો, સગર્ભા તેમજ ધાત્રી માતાઓના સ્વાસ્થ્યને સુપોષિત કરવા તેમજ ખાસ કરીને કુપોષણ નાબૂદ કરવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, સાથોસાથ પોષણયુક્ત આહાર બાબતે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.

આ પ્રસંગે ગામના સરપંચ, ઝાલોદના સી.ડી.પી.ઓ નીલુબેન, આરોગ્યના કર્મચારીઓ, શાળાના આચાર્ય સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Don`t copy text!