શહેરા તાલુકાના મંગલીયાણા ગામની 21 વર્ષીય પરિણીતાએ પતિના અવાર નવાર ત્રાસથી કંટાળી ઝેરી દવા પી જતાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જોકે મરણ જનાર પરિણીતાના પિયર પક્ષે અજય વિક્રમ પગી સામે મોરવાહડફ પોલીસ મથકે આત્મહત્યા માટેની દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધાવ્યો હતો.
મોરવાહડફના લાર ફળિયામાં રહેતા સુખદેવભાઈ ફતાભાઈ બારીઆની 21 વર્ષીય પૌત્રી કામિનીના લગ્ન આશરે ત્રણેક માસ અગાઉ સમાજના રીતરિવાજ મુજબ શહેરા તાલુકાના મંગલીયાણા ગામના અજય વિક્રમસિંહ પગી સાથે થયા હતા. લગ્ન બાદ કામીનીને પત્ની તરીકે સારી રીતે રાખતા કામિની અને અજયનો ઘરસંસાર આશરે દોઢેક માસ સુધી સારી રીતે ચાલ્યો હતો. ત્યારબાદ કામિનીને તેનો પતિ અજય પગી તારી સાથે ખોટા લગ્ન કર્યા છે, તું મને ગમતી નથી.
તને ઘરનું કામ આવડતુ નથી તેમ કહી બીજી પત્ની લાવવા માટે અવાર નવાર મહેણાટોણા મારી પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતો હોવાથી પતિના ત્રાસને લઈ પરિણીતા અવાર નવાર પોતાના પિયરમાં જતી રહેતી હતી,જ્યાં તેણે ઘરના સભ્યોને તેના પતિ વિશે વાત કરી હતી,પરંતુ પિયર પક્ષ પરિણીતાને સમજાવીને તેની સાસરી મોકલતા હતા,ત્યારે ગત તા.24/8/2024 ના રોજ મંગલીયાણા ગામેથી પરિણીતાએ તેની માતા સૂરજબેનને ફોન કરી રડતા રડતા મમ્મી મને લેવા માટે કોઈને મોકલો તેમ જણાવતા તેની માતાએ તું રડતા રડતા કેમ વાત કરે છે,તને શુ થયું છે તેમ જણાવતા પરંતુ કામિનીએ કંઈ જણાવ્યું નહીં અને મને લઈ જાઓ તેવી વાત કરી હતી.
જે બાદ બીજા દિવસે કામિનીને તેનો પતિ સાસરીમાંથી પિયરમાં મુકવા માટે આવ્યો હતો.પિયરમાં આવતા કામિનીને પૂછતાં કામિનીએ જણાવેલ કે બીજી પત્ની લાવવા માટે મારી સાથે કોઇને કોઇ બહાને પતિ અજય મારઝૂડ કરે છે. જેથી હવે હું મારી સાસરીમા મંગલીયાણા ગામે જવાની નથી.ત્યારબાદ એકાદ અઠવાડિયા પછી પતિ અજય પગી અને સાસુ રમીલાબેન કામિનીને પિયરમાંથી લેવા આવતા બંન્ને પક્ષો વચ્ચે વાતચીત થતાં કામિનીને તેની સાસરીમાં જવા માટે સમજાવી હતી.
જોકે, પતિ અજય અવાર નવાર મેણાટોણા મારી મારઝુડ કરી શારીરીક માનસીક ત્રાસ આપતો હોવાથી સાસરીમાં જવા માંગતી ન હોય પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળીને પોતાના પિયરમાં ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને પરિણીતાને મોરવાહડફ સરકારી દવાખાને સારવા2 માટે લઈ જતાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ગોધરાની ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી,જોકે સારવાર દરમિયાન પરિણીતાનું મોત થયું હતું.
પતિના અવાર નવાર ત્રાસથી કંટાળી પરિણીતાએ ઝેરી દવા પી જવાના બનાવમાં પરિણીતાનું સારવાર દરમ્યાન મોત થતાં પિયર પક્ષે પરિણીતાના પતિ અજય વિક્રમ પગી સામે મોરવાહડફ પોલીસ મથકે આત્મહત્યા માટેની દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધાવ્યો હતો.