શહેરાના ડેમલી ગામના 22 વર્ષીય યુવકનો મૃતદેહ ત્રીજા દિવસે ગળતેશ્વરના લસુન્દ્રા ગામે નર્મદા કેનાલ માંથી મળ્યો

શહેરા તાલુકાના ડેમલી ગામના 22 વર્ષીય યુવકની લાશ ત્રીજા દીવસે ખેડા જીલ્લાના ગળતેશ્વર તાલુકાના લસુન્દ્રા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી હતી. સ્થાનિક તરવૈયાની મદદથી યુવકની લાશ બહાર કાઢવામાં આવી હતી. જોકે, યુવક પ્રિતેશ રાઠોડ એ આપઘાત કર્યો કે પછી શું હશે હકીકત તે પોલીસ તપાસમાં બહાર આવશે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ડેમલી ગામના પ્રિતેશ સામતસિંહ રાઠોડ નામના 22 વર્ષીય યુવક રવિવારના રોજ થી ગુમ થયો હતો. જોકે યુવકની એક્ટિવા કબીરપુર અને કાબરિયા પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસેથી મળી આવતા પ્રિતેશ રાઠોડ નામના યુવકે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકાને લઈને પરિવારજનો અને સ્થાનિકોએ નર્મદા કેનાલ પાસે પહોંચી આ અંગેની જાણ કાંકણપુર પોલીસ અને ગોધરા ફાયર બ્રિગેડને કરાતા કાંકણપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

જોકે, રવિવારના રોજ ફાયર બ્રિગેડની ટીમ કોઈક કારણોસર નહીં આવતા સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલમાં શોધખોળ શરૂ કરાઇ હતી, પરંતુ યુવક મળી આવ્યો ન હતો,જેને લઈને બીજા દિવસે સોમવારની વહેલી સવારે ગોધરા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા નર્મદા કેનાલમાં યુવકની શોધખોળ હાથ ધરાઈ હતી. જેમાં ગોધરા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બોટની મદદથી મોટી કાંટડી, નદીસર અને કબીરપુર પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં તેમજ કાબરીયા પાસેની નર્મદા કેનાલના ગેટ પાસે યુવક શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

પરંતુ સવારના 10 વાગ્યા થી સાંજના 5 વાગ્યા સુધી ગોધરા બ્રિગેડ દ્વારા યુવકની શોધખોળ કરવા છતાં યુવકનો કોઈ પત્તો લાગ્યો નહતો. જોકે આશરે 7 થી 8 કલાકની શોધખોળ બાદ પણ યુવકનો કોઈ પત્તો નહીં લાગતા વરસાદને લીધે શોધખોળ થઈ શકે તેમ ન હોવાથી ફાયરની ટીમ પરત ફરી હતી.

ત્યારે ત્રીજા દિવસે મંગળવારની મોડી સાંજે આશરે છએક વાગ્યાના સુમારે નર્મદા કેનાલમાં પડેલા ડેમલી ગામના યુવકની લાશ ખેડા જીલ્લાના ગળતેશ્વર તાલુકાના લસુન્દ્રા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલના ગેટ પાસેથી મળી આવી હતી. જેને લઈને પરિવારજનો સહિત ગામના સ્થાનિકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકની લાશને બહાર કાઢવામાં આવી હતી.

આમ કબીરપુર કાબરીયા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકાને લઈ સતત સતત ત્રણ દિવસની લાંબી શોધખોળ બાદ ડેમલી ગામના 22 વર્ષીય યુવકની લાશ ત્રીજા દિવસે ગળતેશ્વર તાલુકાના લસુન્દ્રા પાસેથી પસાર થતી નર્મદા કેનાલના ગેટ પાસે તરતી જોવા મળી હતી. કેનાલ માંથી યુવકની લાશને બહાર કાઢીને પીએમ માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જોકે યુવક પ્રિતેશ રાઠોડ એ આપઘાત કર્યો કે પછી શું હશે હકીકત તે પોલીસ તપાસમાં બહાર આવશે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી. હાલ તો આ બનેલી દુ:ખદ ઘટનાને લઈને મૃતક ના પરીવારજનોમાં ઘેરો શોક છવાયો હતો.