મહીસાગર જીલ્લા ભાજપા અધ્યક્ષ દશરથભાઈ બારીયાની અધ્યક્ષતામાં જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ ધારાસભ્ય માનસિંહ ચૌહાણ તેમજ મહામંત્રીઓ, અભિયાન સંયોજકો સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મહીસાગર જીલ્લા ભાજપા સદસ્યતા અભિયાનનું લોન્ચિંગ લુણાવાડા ગોંસાઈ સમાજની વાડી ખાતે યોજાયું.
આ તબક્કે પત્રકાર પરિષદને સંબોધતા દશરથભાઈએ કહ્યું હતું કે પ્રત્યેક 6 વર્ષે ભાજપા સંગઠન પર્વ ઉજવે છે. આ વખતે પણ 2 સપ્ટેમ્બરના રોજ માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ વૈશ્વિક નેતા અને સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને સર્વ પ્રથમ ભાજપાના પ્રાથમિક સભ્ય બનાવી આ સદસ્યતા અભિયાનની દેશ વ્યાપી શરૂઆત કરાવી હતી.
આ અભિયાન સર્વ સ્પર્શી, સર્વ વ્યાપી બને તે માટે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શનમાં સૌ કાર્યકર્તાઓ દિન રાત મહેનત કરી રહ્યા છે. આ માટે 88000 02024 પર મિસ્ડ કોલ કરતા એક લિંક આવશે જેના પરથી ફોર્મ ભરીને સભ્ય બની શકાશે. આ ઉપરાંત નમો એપ તેમજ બષા.જ્ઞલિ પોર્ટલ પરથી પણ સદસ્યતા નોંધણી થઈ શકશે.
સદસ્યતા અભિયાન એ માત્ર નવા સભ્યો જોડવાનું અભિયાન નથી. પરંતુ “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના ભાવ સાથે વ્યક્તિ સે બડા દલ, ઔર દલ સે બડા દેશની વિચારસરણીને બળ આપવાનું માધ્યમ છે. આ અભિયાનમાં માત્ર સંખ્યાત્મક રીતે જ નહિ પરંતુ પાર્ટીનાં આદર્શો અને પરિવારની લાગણીઓ પણ નિહિત છે. ભાજપા માટે આ એક પર્વ એક ઉત્સવ છે.આ અભિયાનમાં પ્રત્યેક ઉંમર, ધર્મ, વર્ગના અને પ્રત્યેક ગામ, શહેર, ઘર, દ્વીપ, જંગલ, પહાડ સુધી પાર્ટીની વિચારધારા સર્વ સ્પર્શી અને સર્વ વ્યાપી બનશે. આ અભિયાન બુથ, શકિત કેન્દ્ર, મંડલ, જીલ્લા થી લઈને પ્રદેશ સુધી સંચાલિત થશે. જેમાં ડિજીટલ તેમજ ફિઝિકલ ફોર્મના માધ્યમનો ઉપયોગ કરવામાં આવશે.
જેનું પ્રથમ ચરણ 2 સપ્ટેમ્બર થી 25 સપ્ટેમ્બર સુધી ચાલશે.જ્યારે 16 ઓકટોબર થી 31 ઓકટોબર દરમ્યાન સક્રિય સભ્ય નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના 2047 માં આપણો દેશ વિશ્વમાં તમામ ક્ષેત્રે પ્રથમ સ્થાન પર હોય તેવા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટેનું માધ્યમ છે, તેમ જણાવ્યું હતું.