મહારાષ્ટ્રમાં હાલ જાણે પક્ષપલટાની લહેર ચાલી રહી છે. અમુક નેતા ઘર વાપસી કરે છે તો અમુક એવા નેતા પણ છે જે ચૂંટણીમાં વધુ સારી સંભવાનના યાને લઈને પક્ષપલટો કરી રહ્યાં છે. એકનાથ ખડસેના નિવેદનને લઈને શિવસેના-યુબીટીના સાંસદ સંજય રાઉતે મોટો દાવો કર્યો છે. રાઉતે કહ્યું કે, ‘મહાવિકાસ અઘાડીના સંપર્કમાં ઘણાં નેતા છે. મહાયુતિ એટલે કે ભાજપ, શિવસેના, એનસીપીના અનેક અગ્રણી નેતાઓ એમવીએમાં સામેલ થશે.’
સંજય રાઉતે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, ‘અમારા સંપર્કમાં પણ ઘણાં નેતા છે, જેની જલ્દી તમને ખબર પડી જશે કે, મહા વિકાસ અઘાડીમાં મહાયુતીના કેટલાં મોટા-મોટા નેતા આવી રહ્યાં છે.’
એકનાથ ખડસેએ ભાજપમાં વાપસી કરી હતી, પરંતુ તેઓએ આરોપ લગાવ્યો છે કે, ‘અમુક લોકોના વિરોધના કારણે ભાજપમાં તેમના આવવાની ઔપચારિક જાહેરાત કરાઈ નથી. તેઓ આ વાતથી ખૂબ નારાજ છે. હું હજુ પણ શરદ પવારના નેતૃત્વવાળી પાર્ટીનો સભ્ય છું અને તેનો ધારાસભ્ય પણ છું. મારા રાજીનામાનો સ્વીકાર નથી કરાયો. હું થોડા દિવસ રાહ જોઈશ અને પછી કોઈ નિર્ણય લઈશ.’
ચૂંટણી પહેલાં મહાયુતિના પક્ષના નેતાઓ રાજીનામું આપી રહ્યાં છે. ભાજપ નેતા અને પૂર્વ મંત્રી સૂર્યકાંત પાટીલ અને માદવરાય કિન્હાલકર શરદ પવારના જૂથમાં જોડાઈ ગયાં છે. વળી, સોલાપુરથી વસંત દેશમુખે શરદ પવારની પાર્ટીમાં સામેલ થવાની જાહેરાત કરી દીધી હતી. સમરજીત ઘાટગેએ પણ એનસીપી-એસપીનો હાથ પકડી લીધો છે. વળી, અજીત પવાર જૂથના રામરાજે નિંબાલકર પણ પાર્ટી છોડે તેવી સંભાવના છે. જુલાઈમાં પીંપલી-ચિંચવાડથી એનસીપીના ૨૦થી વધરે પદાધિકારીઓ શરદ પવાર જૂથમાં જોડાઈ ગયા છે. તેઓએ શરદ પવારની રેલી પહેલાં એનસીપીમાંથી રાજીનામું આપી દીધું હતું.