નરોડા વિસ્તારમાં એસટી વર્કશોપ પાસેથી આજે સવારે યુવકની માથું છુંદાયેલ અને નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળી હતી. પોલીસે તપાસમાં મૃતદેહ પાસેથી લોહીથી ખરડાયેલા પથ્થર મળ્યો હતો. જેથી કોઇ અજાણ્યા શખ્સોએ પથ્થર વડે માર મારીને યુવકની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. આ બનાવ અંગે સરદારનગર પોલીસે હત્યાનો ગુનો નોધીને મૃતકની ઓળખ કરવાની કામગીરી હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે નરોડા પાટીયા એસટી વર્કશોપ પાસે એક અજાણ્યા યુવકની લાશ પડી છે તેવો મેસેજ પોલીસને મળતા સરદારનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. આ ઘટનાના પગલે વહેલી સવારે લોકોના ટાળો ઉમટી પડયા હતા. પોલીસે જઇને તપાસ કરતા અજાણ્યા યુવકની માથું છુદાયેલ અને નિર્વસ્ત્ર હાલતમાં લાશ પડી હતી. એટલું જ નહી મૃતદેહની બાજુમાં લોહીથી ખરડાયેલા એક પથ્થર પણ પડયો હતો.
જેથી પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી હતી. તેમજ આસપાસ તપાસ કરતા અજાણ્યા શખ્સોએ અંગત અદાવતમાં યુવકને પથ્થર મારીને હત્યા કરીને નાસી ગયા હોવાનું બહાર આવ્યું છે. આ ચકચારી ઘટના અંગે સરદારનગર પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોધીને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૃ કરી છે તેમજ બીજી તરફ પોલીસે મૃતકની ઓળખ કરવાની અને વાલી વારસને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.