જો ચીન પ્રાદેશિક અખંડિતતા ઈચ્છતું હોય તો તેણે પહેલા રશિયાને આપેલી જમીન પાછી લેવી જોઈએ, તાઈવાન

તાઈવાનના રાષ્ટ્રપતિ લાઈ ચિંગ-ટેએ દાવો કર્યો છે કે તાઈવાનને જોડવાની ચીનની ઈચ્છા પ્રાદેશિક અખંડિતતાથી પ્રેરિત નથી, પરંતુ વર્ચસ્વ હાંસલ કરવા માટે ’નિયમો આધારિત વિશ્ર્વ વ્યવસ્થા’ બદલવાની છે. એક સ્થાનિક ન્યૂઝ ચેનલ સાથેના તાજેતરના ઇન્ટરવ્યુમાં, રાષ્ટ્રપતિ લાઇએ દલીલ કરી હતી કે જો તાઇવાન પર આક્રમણ કરવાનો ચીનનો હેતુ ખરેખર પ્રાદેશિક અખંડિતતા હતો, તો તેણે ૧૯મી સદીમાં રશિયાને આપવામાં આવેલી જમીન પરત લેવા પર યાન કેન્દ્રિત કરવું જોઈએ

તાઈવાનના રાષ્ટ્રપતિએ કહ્યું કે તાઈવાન સ્ટ્રેટનો મુદ્દો માત્ર તાઈવાન અને ચીન વચ્ચેનો મુદ્દો નથી પરંતુ સમગ્ર હિંદ પ્રશાંત મહાસાગર અને સમગ્ર વિશ્ર્વનો મુદ્દો છે. લાઇએ દાવો કર્યો હતો કે યુક્રેન યુદ્ધને કારણે રશિયા સૌથી વધુ નબળા છે. આવી સ્થિતિમાં ચીન રશિયા પાસેથી ક્વિગં રાજવંશ દરમિયાન એગુન સંધિ હેઠળ આપવામાં આવેલી જમીન પરત માંગી શકે છે, પરંતુ ચીને તેમ કર્યું નથી. લાઈએ કહ્યું કે તાઈવાન માટે અત્યારે સૌથી મહત્વની બાબત એક્તા છે અને માત્ર ચીની આક્રમણ સામે એક્સાથે ઊભા રહેવાથી જ તાઈવાન તેનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે છે.

તાઈવાનના રાષ્ટ્રપતિએ કહ્યું કે તાઈવાને તેના લોક્તાંત્રિક મૂલ્યોને વૈશ્ર્વિક સ્તરે ફેલાવ્યા છે. તાઈવાનના લોકો લોકશાહી અને સ્વસ્થ જીવનશૈલી ઈચ્છે છે અને ચીને આને પડકાર તરીકે જોવું જોઈએ નહીં. તેમણે કહ્યું કે જો ચીન માત્ર તાઈવાન પર કબજો કરવા ઈચ્છે છે તો પૂર્વ અને દક્ષિણ ચીન સાગરમાં પોતાની સૈન્ય હાજરી જાળવી રાખવાની અને રશિયા સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ કરવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં ચીન અને તાઈવાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. ચીન દ્વારા તાઈવાનની હવાઈ અને દરિયાઈ સરહદનું સતત ઉલ્લંઘન થઈ રહ્યું છે.