ઘરની બહાર ફાયરિંગ,હું સુરક્ષિત છું, મારા લોકો સુરક્ષિત છે,એપી ધિલ્લોન

એપી ધિલ્લોન એક પ્રખ્યાત અને લોકપ્રિય પંજાબી ગાયક છે. ગત રવિવારે રાત્રે કેનેડામાં તેના ઘરની બહાર અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો હતો, જેના પછી તે વિસ્તારમાં ભય ફેલાયો હતો. સિંગર ધિલ્લોનનું ઘર વાનકુવરના વિક્ટોરિયા આઇલેન્ડમાં આવેલું છે. ફાયરિંગનો વીડિયો સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. દરમિયાન, હવે ફાયરિંગના એક દિવસ પછી, પંજાબી ગાયકે પણ આ અંગે અપડેટ આપી અને કહ્યું કે તે સુરક્ષિત છે.

એપી ધિલ્લોને તેના ઇન્સ્ટાગ્રામ દ્વારા ચાહકોને આ વિશે માહિતી આપી છે. તેણે લોકોનો આભાર માન્યો અને કહ્યું કે તે સુરક્ષિત છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, હું સુરક્ષિત છું, મારા લોકો સુરક્ષિત છે. મારો સંપર્ક કરનાર દરેકનો આભાર. તમારા સમર્થનનો અર્થ મારા માટે બધું છે. લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગના સભ્ય રોહિત ગોદારા નામના વ્યક્તિએ આ ઘટનાની જવાબદારી સ્વીકારી છે. રોહિત ગોદારાના દાવા મુજબ કેનેડામાં બે સ્થળો વિક્ટોરિયા આઇલેન્ડ અને વુડબ્રિજ ટોરોન્ટોમાં શૂટિંગ થયું હતું.

આ ગોળીબાર પાછળનું કારણ પણ રોહિત ગોદારાએ જણાવ્યુ છે. તેમના કહેવા પ્રમાણે, ફાયરિંગ એટલા માટે કરવામાં આવ્યું હતું કારણ કે એપીએ તાજેતરમાં અભિનેતા સલમાન ખાન સાથે એક મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું હતું. દાવા મુજબ, તે વ્યક્તિ ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈની ગેંગ સાથે સંકળાયેલો છે, જેની તરફથી સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એપી ધિલ્લોન પંજાબી સંગીત સાથે ૮૦ના દાયકાના સિન્થ-પૉપને ફ્યુઝ કરવા માટે જાણીતા છે. ’બ્રાઉન મુંડે’, ’એક્સક્યુઝ’, ’સમર હાઈ’, ’વિથ યુ’, ’દિલ નુ’ અને ’પાગલ’ જેવા ગીતોને કારણે તે વૈશ્ર્વિક સ્તરે ખૂબ જ ઝડપથી ઉભરી આવ્યો છે.

ગયા વર્ષે નવેમ્બરમાં, ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈએ કેનેડામાં ગાયક ગિપ્પી ગ્રેવાલના ઘરે કથિત ગોળીબારની જવાબદારી પણ સ્વીકારી હતી. આ ઘટના વાનકુવરના વ્હાઇટ રોક વિસ્તારમાં બની હોવાનું કહેવાય છે. એપ્રિલમાં પણ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ફાયરિંગની આ ઘટનાને મોટરસાઇકલ પર સવાર બે લોકોએ અંજામ આપ્યો હતો. મુંબઈ પોલીસે આ ઘટનામાં જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈ અને તેના નાના ભાઈ અનમોલ બિશ્ર્નોઈને આરોપી જાહેર કર્યા છે.