ગુજરાતમાં ફરી આભ ફાટવા જેવી સ્થિતિ, ૧૪ કલાકમાં ૧૧ ઇંચ વરસાદથી ભરૂચનું વાલિયા ડૂબ્યું

ગુજરાતમાં આજે પણ મેઘાની જમાવટ યથાવત છે. સવારે બે કલાકમાં ૧૨૫ તાલુકામાં વરસાદ વરસ્યો. તો ભરૂચના નેત્રંગમાં ૩ ઈંચ વરસ્યો. ગઈકાલે ૧૨ ઈંચ ખાબક્યા બાદ આજે પણ ૩ ઈંચ વરસાદ નોંધાયો. સવારે પણ દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદ જોવા મળ્યો. સુરતના માંગરોળ, ઉમરપાડામાં ૨થી અઢી ઈંચ પડ્યો. નવસારીમાં ધીરે ધીરે પૂરના પાણી ઓસરી રહ્યાં છે. પરંતું ભરૂચના વાલિયા પંથકમાં ૧૧.૮૮ ઇંચ વરસાદથી જળબંબાકાર થયું છે. ૧૪ કલાકમાં ૧૧ ઇંચ વરસાદ ખાબકી જતા સર્વત્ર પાણી જ પાણી છે.

ભરૂચના વાલિયા પંથકમાં ૧૧.૮૮ ઇંચ વરસાદ ખાબક્તા પૂર જેવી સ્થિતિ બની. ૧૪ કલાકમાં ૧૧ ઇંચ વરસાદ ખાબકી જતા સર્વત્ર જળબંબાકાર થયું છે. આખેઆખું ડહેલી ગામ પાણીમાં ગરકાવ થયું છે. મુખ્ય બજાર અને લોકોના ઘરમાં પાણી ભરાયા છે. ભરૂચના વાલિયા પંથકમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ટોકરી નદીના ક્રોઝવે પરથી પાણી ફરી વળ્યાં છે. તો વાહન વ્યવહાર બંધ કરાયો છે.

અમદાવાદ શહેરમાં સતત વરસાદી માહોલ યથાવત છે. મોડી રાતથી વરસી રહેલા હળવા વરસાદે હાલ વિરામ લીધો છે. સવારે ૬ વાગ્યે પૂર્ણ થતા ૨૪ કલાક દરમ્યાન શહેરમાં સરેરાશ ૨.૫ ઇંચ વરસાદ નોંધાયો. સૌથી વધુ નરોડામાં ૮ ઇંચ, ઓઢવ ૪.૫ ઇંચ અને નિકોલમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો. અન્ય વિસ્તારોમાં ઓન દોઢથી લઇ અઢી ઇંચ સુધીનો વરસાદ નોંધાયો. પાછલા ૨૪ કલાકમાં અલગ અલગ સમયે ભારે વરસાદી ઝાપટા વરસતા રહ્યાં.

હાલ વાસણા બેરેજના ૭ ગેટ ખોલી ૧૧૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીમાં હાલ સંત સરોવર માંથી ૫૦૦૦ ક્યુસેક પાણીની આવક થઈ છે. તો ગાંધીનગરમાં મોડી રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો. દહેગામમાં સૌથી વધુ ૪ ઈંચ તો માણસા-કલોલમાં ૩ ઈંચ વરસાદ નોંધાયો. ગાંધીનગર શહેરમાં ૨ ઈંચ વરસાદ પડ્યો. ગાંધીનગર શહેરમાં બે ઇંચ જેટલો વરસાદ પડતા જ અંડરપાસમાં પાણી ભરાયા. ગાંધીનગરના વાવોલ અંડર પાસ અને ઘ રોડ ઉપર આવેલા અંડર પાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી.

ગત રાત્રીએ સુરત જિલ્લામાં ભારે વરસાદ પડ્યો. ભારે વરસાદને કારણે નદી નાળાઓ છલકાયા. મંગરોલની ટોકરી નદીમાં ભારે પાણીની આવક થઈ. માંગરોળના વડોલી ગામે ટોકરી નદીમાં ભારે પાણીની આવક થતા ગામ સંપર્ક વિહોણુ બન્યું. માર્ગ બંધ થતાં લોકો ઘરેમાં રહેવા મજબૂર બન્યા છે. માંગરોળ તાલુકામાં ૨૪ કલાકમાં સાત ઇંચ વરસાદ વરસ્યો. તંત્ર દ્વારા કામ વગર ઘરની બહાર ન નીકળવા સૂચના અપાઈ.

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ પંથકમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતાં પાલનપુર -અંબાજી મુખ્ય હાઇવે ઉપર ઢીંચણ સમાં પાણી ભરાયા છે. જેને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે. હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને પાણીમાંથી પસાર થવું પડે છે, જેને લઈને અનેક વાહનો બંધ પડી રહ્યા છે. તો અનેક વાહન ચાલકો અટવાયા છે.

જોકે પાલનપુર થી અંબાજી તેમજ વડગામ તરફ જતા આ મુખ્ય હાઇવે ઉપર રોજના હજારો વાહનો પસાર થઈ રહ્યા છે. જોકે દર વર્ષે આ હાઇવે ઉપર આજ પરિસ્થિતિ સર્જતાં સ્થાનિકો તેમજ વાહન ચાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે, જેને લઈને વાહન ચાલકોએ હાઇવે ઉપર ભરાયેલ પાણીના નિકાલની માંગ કરી હતી.

નર્મદા ડેમ ની જળ સપાટી ૧૩૪.૭૩ મીટર પર પહોંચી છે. ડેમમાં પાણીની આવક વધીને ૩૮૦૨૭૫ ક્યુસેક થઈ છે. આવક વધતા ફરી ૧૫ દરવાજા ૨ મીટર ખોલવામાં આવ્યા છે. દરવાજા મારફતે ૨ લાખ ક્યુસેક અને પાવર હાઉસ મારફતે ૪૫૦૦૦ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. હાલ નર્મદા નદીમાં ૨૪૫૦૦૦ ક્યુસેક પાણી છોડાતા નદી બે કાંઠે વહેતી થતાં કાંઠાવાળા વિસ્તારને સાવધ કરાયા છે.