વડોદરામાં પૂરની સ્થિતિ બાદ નાગરિકોમાં સ્થાનિક રાજકારણીઓ સામે વ્યાપક રોષ ફાટી નીકળ્યો છે. અકોટાના પુરુષોત્તમ નગરના લોકોએ ગેટ બહાર નેતાઓએ પ્રવેશવું નહીં તેવા બેનર લટકાવ્યા છે. પુરુષોત્તમ નગર સોસાયટીમાં વિશ્ર્વામિત્રીનુ ૪ ફૂટ પાણી ભરાયુ તે સમયે એક પણ નેતા સ્થાનિક રહીશોની મદદે નહિં આવતા લોકોમાં રોષ વ્યાપ્યો છે. પૂર બાદ અનેક વિસ્તારમાં નાગરિકોના રોષનો ભોગ સ્થાનિક રાજકારણીઓ બની રહ્યા છે. ત્યારે વધુ એક સોસાયટીમાં રાજકારણીઓનો વિરોધ દર્શાવતા બેનરો લગાવાયા છે.
જો કે વડોદરામાં લોકોમાં રાજકારણીઓ સામે ફાટી નીકળેલા લોકરોષ અંગે વડોદરાના પ્રભારી પ્રધાન અને ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને પુછવામાં આવતા તેમણે કહ્યું કે, લોકોને જેમના પર લાગણી હોય, વિશ્ર્વાસ હોય, શ્રદ્ધા હોય તેમની સામે જ ગુસ્સો ઠાલવી શકે. એ એની ફરિયાદ એને જ કરી શકે. આ કોઈ વ્યક્તિ તકલીફ ઠાલવે તેને નેગેટિવ રીતે ના લઈ શકાય.