શિવપાલ સિંહ યાદવની સુરક્ષામાં ઘટાડો, ગોમતી રિવર ફ્રન્ટ કેસમાં ટૂંક સમયમાં પૂછપરછ થઈ શકે છે

પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (લોહિયા)ના અધ્યક્ષ શિવપાલ સિંહ યાદવની સુરક્ષામાં ઘટાડો (ઝેડ કેટેગરીથી વાય કેટેગરી) પછી વધુ એક આંચકો આપવાની તૈયારી છે. મીડિયા રિપોર્ટ અનુસાર શિવપાલ અને બે અન્ય અધિકારીઓની ગોમતી રિવર ફ્રન્ટ કેસમાં ટૂંક સમયમાં જ પૂછપરછ થઇ શકે છે. આ માટે સીબીઆઇએ મંજૂરી માગી છે.

ઉલ્લેખનીય છે કે ગોમતી રિવર ફ્રન્ટ કૌભાંડ જે સમયનું બતાવવામાં આવે છે તે સમયે શિવપાલ ઉત્તર પ્રદેશના સિંચાઇ પ્રધાન હતાં. આ દરમિયાન સપા અને ભાજપની વચ્ચે આ મુદ્દે વાકયુદ્ધ ફાટી નીકળી છે.એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (લોહિયા)ના પ્રવક્તા અરવિંદ યાદવે સરકાર પર આ પ્રકારની કાર્યવાહી દ્વારા ચૂંટણીના સમયે વિપક્ષને દબાણમાં લેવાનો આરોપ મૂક્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે તપાસ એજન્સીઓ દ્વારા લોકશાહી મૂલ્યોનું હનન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે જે ખોટા કાર્યો કર્યા છે તેના પરિણામ તો ભોગવવા જ પડશે.

બીજી તરફ સુરક્ષા ઘટાડવામાં આવ્યા પછી ઉત્તર પ્રદેશની રાજકીય ગલીઓમાં શિવપાલ અંગે ચર્ચા મુખ્ય મુદ્દો બની ગઇ છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કરહલની ચૂંટણી સભામાં પણ કાકા શિવપાલ અને ભત્રીજા અખિલેશની જોડી પર જોરદાર પ્રહારો કર્યા હતાં. યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે જ્યારે નોકરીઓની જાહેરાત આવતી હતી ત્યારે વસુલી માટે કાકા અને ભત્રીજા નીકળી પડતા હતાં. હવે મેનપુરીના લોકો એક પરિવારની છાયામાથી નીકળીને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસના પરંપરાનું પાલન કરશે. આજે કાકા શિવપાલની સ્થિતિ પેંડુલમ અને ફુટબોલ જેવી થઇ ગઇ છે. બીજી બાજુ અખિલેશે શિવપાલ યાદવની સુરક્ષામાં ઘટાડવાના નિર્ણયને વાંધાજનક ગણાવ્યો છે.

આ દરમિયાન શિવપાલ સિંહ યાદવે જણાવ્યું હતું કે તેમને ખબર હતી જ હતી કે ભાજપ સુરક્ષામાં ઘટાડો કરશે. જો કે તેમણે જણાવ્યું હતું કે આમ કરવાથી મૈનપુરીની પેટા ચૂંટણીમાં ડિમ્પલ યાદવ વિજયનું અંતર વધી જશે. હવે લોકો અને પક્ષના કાર્યકરો મને સુરક્ષા પૂરી પાડશે.