જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો અટકાયતી પગલાં લેવામાં આવ્યા

  • આરોગ્ય તંત્રની 686 થી વધુ ટીમો દ્વારા પાણીજન્ય રોગચાળા સામે સાવચેત રહેવા કામગીરી શરૂઆત કરવામાં આવી.

ખેડા જીલ્લામાં ભારે વરસાદને લઈ પુરગ્રસ્ત પરિસ્થિતિમાં રોગચાળો થવાની શકયતા રહેલી છે. આ રોગચાળાને થતો જ અટકાવવા માટે જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 11 શહેરી આરોગ્ય કેન્દ્ર,અને 247 આયુષમાન આરોગ્ય મંદીર ખાતે સવાર-સાંજની ઓ.પી.ડી ચલાવવામાં આવે છે. આરોગ્ય તંત્રની 686 ટીમો દ્વારા 2254 વ્યકિતઓને વિવિધ રોગોની પ્રાથમિક સારવાર આપવામાં આવેલ છે. 5000 થી વધુ કલોરીન ટેબલેટ, 127 ઓ.આર.એસ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. વધુમાં, મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો અટકાયતીના પગલા લેવામાં આવી રહ્યા છે.

મલ્ટીપરપઝ હેલ્થ વર્કર,ફીમેલ હેલ્થ વર્કર, આશા બહેનો મળીને પોતાના વિસ્તારમાં દવા કીટ સાથે ઉપસ્થિત રહી આરોગ્યલક્ષી કામગીરી કરી રહ્યા છે. લોકો જે સોર્સમાંથી પાણી પીતા હોય એ પાણીનું કલોરીનેશન કરવાની પ્રકિયા વિશે માહીતગાર કરવામાં આવી રહ્યા છે. આરોગ્યની ટીમો દ્વારા 676 કલોરીનેશન ટેસ્ટ કરવામાં આવ્યા છે. દરેક આરોગ્ય સંસ્થામાં દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ઘર-ઘરની મુલાકાત સમયે લોકોને પાણી ઉકાળીને ઠંડુ કર્યા બાદ પીવાની સલાહ આપવામાં આવી રહી છે. ઉંપરાત પૂરથી અસરગ્રસ્ત ગામોમાં યોજવામાં આવેલ 5 મેડીકલ કેમ્પમાં 115 વ્યકિતઓને સ્થળ પર સારવાર આપવામાં આવેલ છે. સર્વેલન્સ, જરૂરીયાત વાળી સર્ગભા માતાને રીફર કરવી, આરોગ્ય કાર્યકમોનો પ્રચાર-પ્રસાર વગેરે કામગીરી કરવામાં આવી રહી છે એમ જીલ્લા આરોગ્ય અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.