- અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યની ટીમ દ્વારા રોગચાળા નિયંત્રણ માટે કરવામાં આવી રહેલી કામગીરી.
સમગ્ર દાહોદ જીલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે જીલ્લા વહીવટી તંત્ર સતર્ક રહીને સતત કામગીરી કરી રહ્યું છે. ત્યારે જીલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા પણ ઉત્કૃષ્ટ કામગીરી કરી લોકોના સ્વાસ્થ્ય માટેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.
વરસાદે લીધેલા વિરામ બાદ જીલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની સૂચનાથી તમામ વિભાગોને તેમની કામગીરી અનુસાર ટીમની રચના કરી જીલ્લામાં થયેલા નુકસાનનો સર્વે કરીને સહાય અર્થે કરવાની થતી તમામ પ્રકારની કામગીરી તાત્કાલિક ધોરણે કરવા માટેની સૂચના આપવામાં આવી હતી.
જે અન્વયે આરોગ્ય વિભાગ દ્વારા પણ વિવિધ ટીમની રચના કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની તૈયારીઓના પગલે વરસાદ બાદ જીલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે તાત્કાલિક ધોરણે વિવિધ ટીમની રચના કરી કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
જીલ્લામાં રોગચાળો માથું ન ઊંચકે એ માટે અત્યારે પણ જીલ્લામાં અનેક ગામડાઓમાં આરોગ્યની ટીમ દ્વારા સતત સઘન કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદ બાદ રોગચાળો ફેલાવવાની સંભાવના હોવાથી જીલ્લા કલેક્ટર તેમજ જીલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી તમામ પ્રકારનાં પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.
આરોગ્ય વિભાગની વિવિધ ટીમ દ્વારા જીલ્લામાં ગામડે-ગામડે ફરીને પાણીજન્ય તેમજ મચ્છરથી ફેલાતી બીમારીઓ ન થાય તે માટેની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી છે. જીલ્લા આરોગ્ય વિભાગ હાલ રોગચાળાની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણપણે સજ્જ છે.
અંતરિયાળ ગામો સુધી પહોંચીને લોકોના સ્વાસ્થ્ય માટે વાહકજન્ય અને પાણીજન્ય બીમારીઓ ન ફેલાય તે માટે આરોગ્યની વિવિધ ટીમ દ્વારા દરેક ગામમાં ઘરે-ઘરે જઈને દવા છંટકાવની કામગીરી કરવામાં આવી છે.
એ સાથે ઘરે ઘરે જઈને ખુલ્લી ટાંકીઓ તેમજ અન્ય પાત્રમાં ભરાયેલ પાણી તેમજ બહારના વિસ્તારમાં કુવા, તલાવડી કે ખાબોચિયા જેવા પાણીમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગ લોકોના સ્વાસ્થ્ય અંગેની ગંભીરતાને ધ્યાને સંપૂર્ણપણે સજ્જ અને સતર્ક છે.
એબેટ સારવાર દ્વારા ઇન્ડોર પાણીમાં પોરા નાશક કામગીરી અને આરોગ્ય તપાસ કરી સર્વેની કામગીરી પણ કરવામાં આવી રહી છે. ઉપરાંત ગામડાઓમાં લોકોને પાણીજન્ય અને મચ્છરજન્ય બીમારીઓથી બચવા માટેની કાળજી, બીમારીના લક્ષણો અને સારવાર વગેરે અંગે જૂથ ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
આઉટ ડોરમાં જળાશય સહિતના બંધિયાર પાણીમાં મચ્છરના પોરા નાશક કામગીરી અને ગપ્પી/ગબુંશિયા માછલી મૂકવાની કામગીરી, મચ્છરના ઉપદ્રવ સ્થળોના નાશ માટે દવા છંટકાવની કામગીરી સહિતની કામગીરી કરવામાં આવી છે અને હાલ પણ કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત વરસાદ પછી રોગચાળો ન ફેલાય તે માટે ફતેપુરા તાલુકાના ઘુધસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કુવા કલોરીનેશન અને હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી પણ કરવામાં આવી હતી.