શ્રીગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કુલપતિમાં ડો. પ્રતાપસિંહ ચૌહાણની પ્રેરણાથી તેમના અધ્યક્ષ પદે અને શેઠ ટી.સી. કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, બોડેલીના આચાર્ય ડો. હસમુખભાઈ કોરાટના અતિથિ વિશેષપદે તેમજ સાહિત્ય પરિષદના મંત્રી સમીર ભટ્ટ, યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ ડો. હેમેન્દ્ર વોરા, ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો.ભાવેશ જેઠવા તથા એકેડેમિક એડવાઈઝર ડો. કુમાર જૈમિનિ શાસ્ત્રીના સંકલન હેઠળ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, વિંઝોલ-ગોધરા અને ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બર 2024 ના રોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, રામનગર, ગોધરા ખાતે દોઢ દિવસની નિવાસી ગઝલ પ્રશિક્ષણ શિબિર ભારે દબદબાભેર સંપન્ન થઇ.
આ કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ BAPS સ્વામીનારાયણ મંદિરના હોલમાં યુનિવર્સિટીના કુલપતિના અધ્યક્ષપદે 31 ઓગસ્ટ 2024 ના રોજ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગઝલલેખનની તાલીમ મેળવવા ઇચ્છુક 60 જેટલા સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના નામાંકિત ગઝલકારો સર્વ નૈષધ મકવાણા, વિવેકભાઈ કાણે , ભરતભાઈ ભટ્ટ “પવન” અને દિનેશભાઈ ડોંગરે “નાદાન” આ શિબિરમાં પૂરો સમય હાજર રહીને યુનિવર્સિટી સંલગ્ન છાત્રો તેમજ અન્ય આમંત્રિત સહભાગીઓને ગઝલ સાહિત્યસ્વરૂપની સંપૂર્ણ સમજ અને તાલીમ આપી હતી.
ઉપસ્થિત સહભાગીઓએ ગઝલલેખનની સંપૂર્ણ જાણકારી મેળવીને શિબિર દરમ્યાન તેમણે રચેલી ગઝલો પ્રસ્તુત કરી હતી. વક્તાઓએ શિબિરાર્થીના ગઝલ વિશેના બધા પ્રશ્ર્નોના જવાબો આપી તેમની મૂંઝવણોનું સમાધાન કર્યું હતું. પ્રથમ દિવસે રાત્રી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રશિક્ષકો અને શિબિરાર્થીઓએ તેમની કૃતિઓ પ્રસ્તુત કરી હતી. આ લેખનશિબિરમાં સહભાગીઓ તથા પ્રશિક્ષકોને માટે ભોજન-નિવાસ અને અન્ય તમામ સુવિધાઓ યુનિવર્સિટી અને સાહિત્ય પરિષદ દ્વારા વિના મૂલ્યે કરવામાં આવી હતી.
કાર્યશાળામાં ભાગ લેનાર સહભાગીઓને સમાપન સમારંભમાં પ્રમાણપત્રો એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના કુલપતિ ડો પ્રતાપસિંહ ચૌહાણે શિબિરાર્થીઓને દીક્ષાંત પ્રવચન આપી ગઝલ સર્જનમાં ખૂબ આગળ વધવા માટે આશીર્વાદ આપ્યા હતા તથા કાર્યકારી કુલ સચિવ ડો હેમેન્દ્ર શાહ અને અતિથિ વિશેષ ડો હસમુખભાઈ કોરાટ ે શિબિરાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરી આશીર્વચન પાઠવ્યાં હતાં.