દાંતાના ભાજપ ઉમેદવાર ફરી વિવાદમાં, આદિવાસી મહિલાઓને સાડીઓ આપતો વીડિયો વાયરલ

દાંતા,

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે, જ્યારે બીજા તબક્કા માટે પ્રચાર ચાલી રહ્યો છે. આવામાં ફરી એક વખત દાંતા વિધાનસભા ભાજપના ઉમેદવાર વિવાદમાં આવ્યા છે. ભાજપના ઉમેદવારનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. તેમનો આદિવાસી મહિલાઓને સાડીઓ આપતો વીડિયો વાયરલ થયો છે. આ પહેલા યુવાનોને રુપિયા આપતો વીડિયો વાયરલ થયો હતો.

દાંતા વિધાનસભા બેઠક વિવાદિત બની છે અને ભાજપના ઉમેદવાર વિવાદનો ભોગ બની રહ્યા છે. આવામાં દાંતા વિધાનસભા વિસ્તારમાં ભાજપના ઉમેદવારનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. દાંતા બાદ અમીરગઢ પંથકમાં યુવાનોને ભાજપના કાર્યકરો પૈસા અને આદિવાસી મહિલાઓને સાડીઓ આપતાં હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં ભાજપના ઉમેદવાર પોતે ઊભા રહેલા જોવા મળી રહ્યા છે.

૨૬ નવેમ્બરના રોજ દાંતાના કણબીયાવાસ ખાતે બપોરે ભાજપના ઉમેદવારના દારૂના નિવેદન બાદ કાર્યર્ક્તાઓને પૈસા આપવાનો વીડિયો વાયરલ થયો હતો. દાંતા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે, ત્યારે લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. ચૂંટણીની પ્રક્રિયાની મજાક ઉડાવતા હોય એવા અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો અમીરગઢ તાલુકાના સુરેલા ગામનું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ન્યૂઝ૧૮ ગુજરાતી વીડિયોની પુષ્ટી કરતું નથી.