પાનમડેમ 95.17 ટકા ભરાયો : પંચમહાલના ખેડૂતોની જીવાદોરી સમાન પાનમડેમ ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા

પંચમહાલ જીલ્લામાં ચોવીસ કલાકથી પડેલા ભારે વરસાદને કારણે જીલ્લામાં આવેલા જળાશયોમાં પાણીની ભારે આવક જોવા મળી છે. ત્યારે ખેડૂતોના જીવાદોરી સમાન ગણાતા પાનમ ડેમમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદ કારણે પાનમ વિભાગ દ્વારા પાનમ ગેટના એક સાથે છ દરવાજા ખોલવામા આવતા પાનમ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. જેના લીધે પાનમડેમના આસપાસના વિસ્તારોની સૌદર્ય સોળે કળાએ ખીલી ઊઠી હતી. બીજી તરફ પાનમ ડેમના છ ગેટ ખોલવામાં આવતા નીચાણવાળા 26 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં જીલ્લાની જીવાદોરી સમાન પાનમડેમ આવેલો છે. પાનમડેમ મહિસાગર જીલ્લાના લુણાવાડા, સંતરામપુર અને પંચમહાલના શહેરા તાલુકાની ત્રિભેટે આવેલો છે. હાલમાં ગુજરાતમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે તમામ જીલ્લાઓમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. પાનમ ડેમમાં ઉપરવાસમા પડેલા વરસાદને કારણે પાનમડેમ સંપુર્ણ રીતે 95% છલોછલ ભરાય ગયો છે. જેના કારણે પાનમડેમમાંથી છ ગેટ ખોલીને નદીમાં પાણી હાલમાં છોડવામા આવી રહ્યું છે.

પાનમ વિભાગના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હાલમાં પાનમ ડેમમાં પાણીની આવક 52010 ક્યુસેક અને જાવક 50508 હજાર ક્યુસેક છે. વરસાદ સારો થતા હાલમા પાનમડેમ 95.17 ટકા ભરાઈ ગયો છે. હાલમાં પાનમ ડેમનું લેવલ 127.00 મીટર નોધાયું છે. અત્રે નોધનીય છે કે પંચમહાલ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી સારા વરસાદના કારણે પાનમ ડેમ પાણીની સારી આવક નોંધાવવા પામી છે. ત્યારે ખેડૂતોને સિંચાઈની પાણી સમસ્યા નહીં રહે.