હાલોલ પાલિકાની કામગીરી સામે મહિલાઓનો ભારે રોષ: વરસાદના વિરામ છતાં ઉમા સોસાયટી માંથી પાણી ઓસર્યા નથી.

હાલોલમાં પડેલા અતિ ભારે વરસાદમાં વિશ્વામિત્રી નદીના કોતરો ઉભરાય હતા અને તેના પાણી હાલોલના અનેક વિસ્તારોમાં ફરી વળ્યાં હતા. આ સ્થિતિ પછી વરસાદે વિરામ લીધો હોવા છતાં કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ઓસર્યા નથી. તો બીજી તરફ પાલિકા દ્વારા આવા પાણીનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આળસ દાખવતા કેટલીક સોસાયટીઓના મકાનોમાં ભરાયેલા પાણી નહીં નીકળતા લોકો પરેશાન થઈ ગયા છે.

હાલોલના કણજરી રોડ ઉપર આવેલી સોસાયટીઓના પાણી હાલોલ બાયપાસ સુધી જાય છે, જ્યાં પાણી રોકાઈ જતા મહાદેવ મંદિર પાસેથી કણજરી ગામમાં જવાના અન્ડર પાસ દ્વારા અને સ્વામિનારાયણ મંદિરની આગળ હાઇવેની અડીને ખોદકામ કરીને સોસાયટીઓમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવે છે. કણજરી રોડની બંને તરફ વરસાદી પાણીના નિકાલ માટે ગટરલાઈન બનાવવમાં આવી જે જેના દ્વારા પાણી નિકાલ કરવાની વ્યવસ્થા છે. પરંતુ આ ગટર લાઈનો અનેક ઠેકાણે ચોકઅપ થઈ ગયેલી હોવાથી અને અન્ડર પાસ વાળી વ્યવસ્થામાં પાણીનો ઝડપી નિકાલ નહીં થતા અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ જાય છે.

ગયા અઠવાડિયે વરસેલા વરસાદના પાણી કણજરી રોડની ડાબી તરફની સોસાયટીઓ અને જમણી તરફની અનેક સોસાયટીઓમાં ભરાયા હતા. જેમાં ઉમા સોસાયટી ના અનેક મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. સોસાયટી કણજરી રોડને અડીને આવેલી છે અને રોડની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા હોવા છતાં વરસાદી પાણી નીકળ્યા નથી અને ગટરના પાણી સોસાયટીમાં ઘુસી રહ્યા હોવાની ફરિયાદ કરવા આજે સોસાયટીની મહિલાઓ નગરપાલિકાની કચેરીએ પહોંચી હતી.

આજે વરસાદ રોકાયાને પાંચ દિવસથી વધુનો સમય થયો હોવા છતાં ઉમા સોસાયટીમાં ભરાયેલા પાણી જોવા માટે નગરપાલિકાનો કોઈ અધિકારી કે કર્મચારી ફરક્યો નથી કે નથી ફરકયુ નગરપાલિકાના ચૂંટાયેલા પૂર્વ સભ્યો, આ તમામ લોકો સામે રોજ વ્યક્ત કરતાં સોસાયટીના રહીશોએ જો આજે ઉમાસ સોસાયટીના પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો પરિવાર સાથે નગરપાલિકાની કચેરીએ બેસી જવાની ચીમકી ઉચ્ચારી છે. સોસાયટીઓના પાણીનો જો પાલિકા નિકાલ કરે તો મકાનમાં ભરાયેલા પાણીનો નિકાલ થઈ શકે તેમ હોવાથી રહીશો હાલ પરેશાન થયા છે.

સોસાયટીમાં પાણી અને મકાનોમાં પાણી ભરાયેલા હોવાથી બાળકોને શાળાએ મોકલી શકાતા નથી. એટલે તેમનું શૈક્ષણિક કાર્ય બગડે છે અને ગટરના પાણી ઉભરાઈને છેક સોસાયટી અને ઘરો સુધી આવી જતા લેટરીન બાથરૂમ જવા માટે પણ તેઓએ અન્ય સોસાયટીઓમાં કે પછી જાહેર શૌચાલયનો ઉપયોગ કરવો પડી રહ્યો હોવાનું રોષ સાથે જણાવ્યું છે. ચૂંટાયેલા પૂર્વક કોર્પોરેટરોને વારંવાર ફોન કરવા છતાં તેઓ સોસાયટીની અવદશા જોવા સુધા આવ્યા નથી અને નગરપાલિકામાં પણ વારંવાર જણાવવા છતાં સોસાયટીના પાણીના નિકાલ માટે કોઈ જ કામગીરી કરવામાં નહીં આવતા સોયટીની મહિલાઓ રોષે ભરાઇ હતી.