સંતરામપુરના પ્રતાપપુર પ્રા.શાળામાં ચાલુ કલાસે વરસાદી પાણી ભરાયા

સંતરામપુરમાં લાંબા વિરામ બાદ વરસાદે આગમન કર્યુ હતુ. તોફાની વરસાદના આગમને પુન: સર્વત્ર પાણી પાણી કરી દીધુ હતુ. જેમાં સંતરામપુરની પ્રતાપપુરા પ્રા.શાળામાં ચાલુ શાળાએ વરસાદનુ પાણી ભરાઈ જતાં બાળકોને ઉભા થઈ જવાનો વારો આવ્યો હતો. જોકે શાળા આસપાસ પાણીના નિકાલના અભાવે બાળકો મુશ્કેલીમાં મુકાયા હતા.

સંતરામપુરમાં બે દિવસના વિરામ બાદ શ્રાવણના છેલ્લા સોમવારે વરસાદે ફરી બેટીંગ કરી છે. જેમાં સંતરામપુર નગરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પાણી કરી નાંખ્યુ હતુ. જયારે બીજી બાજુ બે વર્ષ અગાઉ સંતરામપુર પ્રતાપપુરા પ્રા.શાળામાં છત ઉપરથી પોપડા પડવાની ધટના બની હતી. અને બાળકોને ઈજાઓ પહોંચી હતી તેમ છતાં આ પ્રાથમિક શાળામાં હજુ પણ પરિસ્થિતિ એ જ જોવા મળી હતી.

જયારે આ વખતે ચોમાસામાં ભારે વરસાદ પડવાના કારણે પ્રતાપપુરાના બે વર્ગોમાં બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. વરસાદી પાણી વર્ગખંડમાં ભરાઈ જતાં બાળકોને ઉભુ થવાની ફરજ પડી હતી. બીજા રૂમની અંદર મુકવામાં આવ્યા હતા. તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ પ્રતાપપુરા પ્રા.શાળાની બાજુમાં વરસાદી પાણીનો નિકાલ ન હોવાના કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ છે. વર્ષોથી પ્રાથમિક શાળા નવી બાંધવા માટેની મંજુરી પણ માંગેલી હતી.

તેમ છતાં આજદિન સુધી ન તોડવાની કે નવી બાંધકામની મંજુરી અપાયેલ નથી. ભારે વરસાદના કારણે બાળકો ઉભા ઉભા શિક્ષણ લેવા મજબુર બન્યા છે. આવી જ રીતે સંતરામપુર તાલુકાની મોટાભાગની પ્રાથમિક શાળામાં જર્જરિત હાલતમાં હોવાના કારણે બાળકો વર્ગખંડમાં બેસીને શિક્ષણ પણ મેળવી શકતા નથી. તેવી પરિસ્થિતિનુ નિર્માણ થયુ છે.