મહારાષ્ટ્રના પુણેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં મોબાઈલ હોટ સ્પોટના વિવાદમાં બેંક મેનેજરની હત્યા કરવામાં આવી હતી. તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં સંડોવાયેલા ૪ આરોપીઓમાંથી ૩ સગીર છે.
પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટના ગત રવિવારે મોડી રાત્રે બની હતી. ખાનગી બેંકમાં કામ કરતા ૪૭ વર્ષના વાસુદેવ રામચંદ્ર કુલકર્ણીની ચાર લોકોએ મળીને હત્યા કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ૪માંથી ૩ આરોપી સગીર છે. આ ઉપરાંત પોલીસે આ કેસમાં ૧૯ વર્ષના મયુર ભોસલે નામના છોકરાની પણ ધરપકડ કરી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, ગત રવિવારે કુલકર્ણી તેના ઘરની નજીક ફરવા નીકળ્યા હતા, તે દરમિયાન નશાની હાલતમાં આ યુવકોએ તેની પાસે મોબાઈલ હોટસ્પોટ માંગ્યો અને આ જ વિવાદમાં આ છોકરાઓએ બેંક મેનેજર વાસુદેવ કુલકર્ણીની હત્યા કરી નાખી.હાલમાં પોલીસે આ કેસમાં હત્યાની કલમો હેઠળ તમામ આરોપીઓની ધરપકડ કરી છે.
તાજેતરમાં જ પુણેમાં પૂર્વ એનસીપી કાઉન્સિલર વનરાજ અંધેકરની હત્યા કરવામાં આવી હતી. રવિવારે (૧ સપ્ટેમ્બર) રાત્રે લગભગ ૯.૪૫ વાગ્યે, હુમલાખોરોએ વનરાજ પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરીને તેની હત્યા કરી નાખી. આ મામલાને ગેંગ વોર સાથે જોડવામાં આવી રહ્યો છે. સાથે જ પોલીસ પારિવારિક વિવાદના એંગલથી પણ તપાસ કરી રહી છે. ગોળીબારની ઘટના બાદ તરત જ અંધેકરને દ્ભઈસ્ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર અંધેકરનો પરિવાર લાંબા સમયથી આ ગેંગ સાથે સંકળાયેલો હતો. આવી સ્થિતિમાં પારિવારિક વિવાદને કારણે તેની હત્યા થઈ હોવાની આશંકા છે. જો કે હજુ સુધી આ મામલે પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પુણેના નાનાપેઠ વિસ્તારમાંથી રવિવારે રાત્રે વનરાજ અંધેકરની પિસ્તોલથી ગોળી મારીને હત્યા કરવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઘટના બાદ પોલીસ અંધેકર પર ગોળી મારનાર હુમલાખોરને શોધી રહી છે.