ગોધરા તાલુકાના દરૂણીયાના બે કોઝવે ધોવાતા લોકો જીવના જોખમે નદી ઓળંગવા મજબુર

ગોધરાના દરૂણીયા ગામમાં જવાના મુખ્ય માર્ગ પરની મયો નદીના પરના બે કોઝવે ગત અઠવાડિયાના ભારે વરસાદથી ધોવાઈ ગયા હતા. જેથી પાંચ હજારની વસ્તી ધરાવતા આ ગામને અવર જવર કરવામાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અન્ય કોઈ વિકલ્પ ના હોવાના કારણે હાલ જીવના જોખમે ગ્રામજનો નદીમાંથી અવર જવર કરવા મજબુર બન્યા છે. અંદાજિત પાંચ હજારથી વધુ લોકો આ કોઝવે પરથી અવર જવર કરતા હોય છે. ત્યારે ભારે વરસાદમાં ધોવાયેલા આ બંને કોઝવે એ ગામલોકોની આફત વધારી દીધી છે. એટલુ જ નહિ જીવન જરૂરી ચીજવસ્તુઓ લેવા માટે પણ ફરજીયાત નદી ઓળંગવાનો વારો આવ્યો છે.

ગોધરા-અમદાવાદ મુખ્ય હાઈવે નજીક આવેલ દરૂણીયા ગામે ભારે વરસાદના કારણે ઠેર ઠેર તારાજી સર્જાઈ છે. ગામ નજીકથી પસાર થતી નદી પરના બંને કોઝવે એકસાથે વરસાદને કારણે ધોવાઈ ગયા છે. દરૂણીયા ગામે રાઠવા ફળિયા અને સ્મશાન પાસેના આ બંને કોઝવે સદંતર ધોવાઈને નષ્ટ થઈ જવા પામેલ છે. ગ્રામજનોની અવર જવર માટે આ મુખ્ય માર્ગ હોવાથી અન્ય કોઈ વિકલ્પ જ નથી. પરિણામે વિકલ્પ ન હોવાના કારણે બાળકો મહિલાો તેમજ અન્ય લોકો હાલ નદીમાં જીવના જોખમે પસાર થવા મજબુર બન્યા છે. ત્યારે ગામના સરપંચે હાલ માટી નાંખીને રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે તેમ જણાવ્યુ છે. એક બાજુ સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવે છે ત્યારે બીજી બાજુ તકલાદી કામના કારણે રસ્તા-કોઝવે તુટી જતાં હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.