કેરળના પલક્કડમાં ચાલી રહેલી RSS સંકલન બેઠકના બીજા દિવસે કુલ ૫ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ સત્રોને જૂથોમાં વહેંચીને ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ, સુરક્ષા, આથક નીતિ અને સામાજિક સમરસતા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સંકલન બેઠકમાં સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, રાજકીય પક્ષો ભારતના હિંદુ સમાજને જાતિ વર્ગોમાં તોડવાનો પ્રયાસ કરતા રહેશે પરંતુ સંઘનું કામ સામાજિક સમરસતા જાળવવાનું અને બધાને સાથે રાખવાનું છે. તેમણે કહ્યું કે આપણે સંઘની વિચારસરણીના આધારે બધાને સાથે લઈને ચાલવાનું છે. સામાજિક સમરસતા જાળવવી એ આપણી ફરજ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભાગવતે કહ્યું કે, સામાજિક વર્ગીકરણના પણ ઘણા પરિમાણો છે. રાજકીય પક્ષો પોતાના સ્વાર્થને કારણે આવી માંગણીઓ કરતા રહેશે. આવું થવું જોઈએ કે નહીં એ સરકાર અને કોર્ટનું કામ છે. આપણે એ કામ કરતા રહેવાનું છે જે આપણું છે અને જેના માટે સંઘની રચના થઈ છે. દેશ માટે સમાજને એક કરવા. બધાને સાથે લઈને. સમાજમાં ભેદભાવ દૂર કરવા સતત પ્રયત્નો કરવા.
આ માટે સમાજમાં સામાજિક પ્રવૃતિઓને લગતી કામગીરી તેજ કરવી પડશે. લોકોમાં પરસ્પર ભાઈચારો અને પ્રેમ જળવાઈ રહેવો જોઈએ. તો જ સંવાદિતાની અસર જોવા મળશે. ભાગવતે વધુમાં જણાવ્યું હતું કે આપણે એક થઈને આગળ વધવાનું છે અને બધાને સાથે રાખવાનું છે, જેથી સમાજમાં સંવાદિતા જળવાઈ રહે.
જ્યારે બાકીના સત્રોમાં શિક્ષણના મુદ્દા પર વિગતવાર ચર્ચા અને અસર તરીકે એક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સંબંધિત સંસ્થાઓ વચ્ચે સંકલન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સત્રમાં ભારત સરકારની નવી શિક્ષણ નીતિ અંગે ચર્ચા થઈ હતી. જેમાં મુખ્યત્વે તેનો ક્યાં અમલ થયો તેની ચર્ચા કરવામાં આવી હતી. નવી શિક્ષણ નીતિની શિક્ષણ અને સમાજના ક્ષેત્ર પર શું અસર પડી?
આરએસએસની બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. જેમાં બાંગ્લાદેશમાં ઉથલપાથલને કારણે ભારતની સુરક્ષાની ચિંતાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, આ ઉપરાંત પડોશી દેશ ચીન, અફઘાનિસ્તાન સહિત અન્ય દેશો તરફથી વધી રહેલા જોખમોને યાનમાં રાખીને દેશની સુરક્ષા વ્યવસ્થાને લઈને વ્યાપક રણનીતિ હેઠળ પગલાં લેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ અંતર્ગત બાંગ્લાદેશના લઘુમતી હિન્દુઓની સુરક્ષા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર, તેમના વિસ્થાપનની સમસ્યા અને તેમના પુનર્વસન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ મુદ્દે સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યા છે તે સિવાય બીજું શું કરી શકાય તેની પણ ચર્ચા કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય સુરક્ષાને લઈને જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર પણ ચર્ચા થઈ હતી. જમ્મુ અને કાશ્મીર અને ખીણમાં હિંદુઓ માટે આગામી ખતરા અંગે મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. રાજ્યમાં અશાંતિ ફેલાવવાના હિંદુઓ અને પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો.