રાજકોટ ભાજપમાં સસ્પેન્ડેડ બે મહિલા કોર્પોરેટરોને ફરી જવાબદારી સોંપવામાં આવતા ફરી આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. રાજકોટ મહાપાલિકાના પચાસ વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર ભાજપે પોતાના બે મહિલા કોર્પોરેટરોને પક્ષમાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ હવે ફરી તેમને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપવામાં આવતા ભાજપના કાર્યર્ક્તાઓમાં ગણગણાટ શરૂ થઇ ગયો છે.
રાજકોટમાં થોડા મહિનાઓ પહેલાં ચર્ચાસ્પદ બનેલા આવાસ યોજના કૌભાંડમાં કોર્પોરેટર દેવુબેન જાદવના પતિ દ્વારા પૈસાની માંગણી કરતો એક વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ રાજકોટ શહેર ભાજપ દ્વારા કડક કાર્યવાહી કરતાં વજીબેન ગોલતર અને દેવુબેન જાદવનું ચેરમેન પદેથી રાજીનામું લઇ લીધું હતું અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાલિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો.
મુખ્યમંત્રીના હસ્તે યોજાયેલા ડ્રોમાં મનસુખ જાદવ અને કવા ગોલતર નામના ભાજપના નેતાઓના નામ આવતા અને બન્નેએ ઘરનું ઘર છતાં લાભાર્થી તરીકે જોડાતા મહિલા કોર્પોરેટર એવા વોર્ડ નં.૫ના વજીબેન ગોલતર અને વોર્ડ નં. ૬ના કોર્પોરેટર દેવુબેન જાદવને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતા. શહેર ભાજપે પ્રથમવાર ભાજપના નેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર કે ગેરરીતિ થયાનો સ્વીકાર કરીને આ પગલા લીધા હતા.
કોર્પોરેટરોના પતિઓ મનસુખ જાદવ અને કવા ગોલતરે પોતાના અન્ય જગ્યાએ ઘરના ઘર હોવા છતાં સાગરનગર અને મચ્છાનગર સ્લમ વિસ્તારમાં આવાસ મેળવવાપાત્ર લાભાર્થીઓની યાદીમાં પોતાનું નામ લખાવ્યું હતું. જેથી દેવુબેન જાદવને કાયદો-નિયમન સમિતિના ચેરમેન બનાવ્યા હતા, જે ચેરમેનપદ પહેલા આંચકી લેવાયું હતું. ત્યારબાદ આ બન્નેનો ખુલાસો પુછવામાં આવ્યો હતો જેમાં બન્નેએ પોતાને ઘરનું ઘર નથી તેવું સોગંદનામુ કર્યું નથી કે કોઈ ફોર્મમાં આવું જણાવ્યું નથી. પરંતુ, અધિકારીઓએ રહેણાંકના દસ્તાવેજો માંગતા તે આપતા અધિકારીઓએ નામ ઉમેર્યા હતા.