વહેલી સવારે ત્રાટક્યાં બાદ આપ નેતા અમાનતુલ્લાહની ઈડીએ ધરપકડ કરી

દિલ્હીના ઓખલાથી આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની મુશ્કેલી વધી ગઈ છે. વહેલી સવારે તેમના નિવાસે ઈડીએ ત્રાટક્યાં બાદ આખરે તેમની ધરપકડ કરી લીધી છે. દિલ્હી વક્ફ બોર્ડમાં મની લોન્ડરિંગના કેસમાં તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારે દરોડા પાડવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમ તેમના ઘરે પહોંચી હતી. જો કે, અમાનતુલ્લા ખાને ઈડીની ટીમને ઘરમાં પ્રવેશતા અટકાવી હતી કારણ કે ઈડી સાથે સ્થાનિક પોલીસની કોઈ ટીમ નહોતી. આવી સ્થિતિમાં સ્થાનિક પોલીસને બોલાવવામાં આવી હતી.

અગાઉ આ મામલે આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’એકસ’ લખ્યું હતું કે, ’વહેલી સવારે તાનાશાહના આદેશ પર તેની કઠપૂતળી ઈડી મારા ઘરે પહોંચી ગઈ છે, તાનાશાહ મને અને આમ આદમી પાર્ટીના નેતાઓને હેરાન કરવામાં કોઈ ક્સર છોડી રહ્યો નથી. ઈમાનદારીથી લોકોની સેવા કરવી એ ગુનો છે? આ સરમુખત્યારશાહી ક્યાં સુધી ચાલશે?’

આપ નેતા મનીષ સિસોદિયાએ પણ આ મુદ્દે ’એકસ’ પર લખ્યું હતું કે, ’ઈડી માટે આ જ કામ બાકી છે. ભાજપ સામે ઉઠેલા દરેક અવાજને દબાવી દો. તેમને તોડી નાખો. જેઓ ભાંગી પડયા નથી અને દબાયેલા નથી, તેમને ધરપકડ કરીને જેલમાં ધકેલી દો.’

આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે ’એકસ’ વીડિયો પોસ્ટ કર્યો છે અને લખ્યું છે કે, ’ઈડીની ક્રૂરતા જુઓ. અમાનતુલ્લા ખાન સૌપ્રથમ ઈડીની તપાસમાં જોડાયા, વધુ સમય માંગ્યો, તેમની સાસુ કેન્સરથી પીડિત છે, તેમનું ઓપરેશન થયું છે, તેઓ દરોડા પાડવા માટે વહેલી સવારે ઘરે પહોંચ્યા. અમાનતુલ્લા સામે કોઈ પુરાવા નથી, પરંતુ મોદીની સરમુખત્યારશાહી અને ઈડીની ગુંડાગીરી બંને ચાલુ છે.’ બીજી તરફ ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે અમાનતુલ્લા ખાન પર નિશાન સાયું અને કહ્યું કે, ’જે વાવશે તે લણશે. અમાનતુલ્લા ખાન કાશ તમને આ યાદ હોત.’

ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષથી આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ લિકર પોલિસી કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં જઈ ચૂક્યા છે. જેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલથી લઈને મનીષ સિસોદિયા અને સંજય સિંહ જેવા નેતાઓનો સમાવેશ થાય છે.