રેશનિંગ અનાજ વિતરણમાં ગેરરીતિ રોકવા નકકર આયોજનનો અભાવ

રેશનિંગ અનાજ વિતરણમાં ગેરરીતિ રોકવા નકકર આયોજનનો અભાવ

નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ ૨૦૧૩ મુજબ ગુજરાતમાં બીપીએલ, એપીએલ અને અંત્યોદય મળીને ૭૪ લાખથી વધુ રાશન કાર્ડ અને ૩.૬૦ કરોડ જેટલા ગરીબ લાભાર્થીઓને સરકાર દ્વારા અનાજ પૂરું પાડવામાં આવતું હોવાની માહિતી જાહેર થઈ છે. અન્ન અને નાગરિક પુરવઠાની કામગીરી બાબતે લોકોની ફરિયાદમાં વર્ષ ૨૦૨૧ માં ૩૪ જિલ્લાઓમાંથી ૭૦૨૬ ફરિયાદો મળેલ. એટલે કે વર્ષ ૨૦૨૦ની સરખામણીમાં ૧૪૫% ફરિયાદો વઘી છે. વર્ષ ૨૦૨૩ માં ૩૪ જિલ્લાઓમાંથી ૨૨૫૨૫ ફરિયાદો એટલે વર્ષ ૨૦૨૨ની સરખામણીમાં ૧૭૨.૭૦% વધુ ફરિયાદો ઉભી થઈ છે. આમ વર્ષ ૨૦૧૯ થી વર્ષ ૨૦૨૩ સુધી ફરિયાદની સંખ્યા ૧૭૨૧ થી વધીને ૨૨૫૨૫ સુધી પહોંચી ગઈ;

આમ ૫ વર્ષમાં અન્ન અને નાગરિક પુરવઠાની કામગીરી સામે નોંધવામાં આવેલ ફરિયાદની વૃદ્ધિ ૧૩૦૮.૮૩ % થઈ ! આ આંકડાઓ એ રીતે ચોંકાવનારા છે કે આ સામાન્ય નાગરિકો કે જેમની પાસે કોઈ સારી ટેક્નોલેજી ઉપલબ્ધ ન હોય, ભણેલા ગણેલા ન હોય, આખો દિવસ મજુરી કામમાં વ્યસ્ત હોય એવા લાભાર્થીઓ જો આટલી ફરિયાદ નોંધાવતા હોય તો ખરેખર લોકોને મોટી મુશ્કેલીઓ વેઠવી પડતી હશે એવી ચિંતા ઉભી થઈ છે.

આ પાંચ વર્ષમાં પૈકી વર્ષ ૨૦૨૧માં તપાસ દરમિયાન કુલ ૪૨૫૫ ક્ષતિઓ મળી, જેમાં ૨.૭૬ કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો. ૪.૩૩ કરોડનો દંડ વસૂલ કર્યો. ૨૭૭ પરવાના મોકૂફ, ૭૦ પરવાના રદ કર્યા. કુલ ૧૮ પોલીસ કેસ અને ૧૦ પી.બી.એમ. કેસ થયાં. દંડમાં ૧૧૨.૭૬ની વૃદ્ધિ થઈ. એજ રીતે વર્ષ ૨૦૨૩ માં તપાસ દરમિયાન કુલ ૬૨૦૪ ક્ષતિઓ મળી, જેમાં ૯.૩૬ કરોડનો મુદામાલ જપ્ત થયો. ૬.૦૮ કરોડનો દંડ વસૂલ્યો. ૨૦૦ પરવાના મોકૂફ કર્યા, ૪૮ પરવાના રદ કર્યા. કુલ ૧૮ પોલીસ કેસ અને ૨૦ પી.બી.એમ. કેસ થયાં. પોલીસ કેસમાં ૨૨૩.૫૩%ની વૃદ્ધિ થઈ. આમ છેલ્લા ૫ વર્ષમાં દંડમાં ૪૪૭.૩૩% સુધીની વૃદ્ધિ થઈ. પોલીસ કેસ/ પી.બી.એમ. કેસમાં ૫૦૦% સુધીની વૃદ્ધિ થઈ.

સામાન્ય અને ગરીબ નાગરિકોને મળવા પાત્ર અનાજ સગે-વગે કરીને કાળા બજારમાં વેચી મારનાર વ્યાજબી ભાવના દુકાનદારો અને ગોડાઉન માલિકોનો ત્રાસ છેલ્લા ૫ વર્ષમાં ૫ ગણો વધી ગયો છતાં ગેરરીતિઓ અટકાવવા કોઈ નક્કર આયોજન થતું નથી. મોટી સંખ્યામાં અનાજ વિતરણ થતું હોય અને મોટા પ્રમાણમાં ગેરરીતિઓ થાય તો તેનો ભોગ ગરીબ લોકો જ બને. ગરીબ નાગરિકોને મળવા પાત્ર અનાજ સગે-વગે કરીને કાળા બજારમાં વેચી મારનાર વ્યાજબી ભાવના દુકાનદારો અને ગોડાઉન માલિકો પાસેથી નથી પકડાયું તે અનાજ માટે પણ ચિંતા ઉભી થઈ છે !

લાભાર્થીઓને લાભ મળે તે માટે ઘણા કાયદાઓ હાલમાં છે જ; જરુર છે તેના અમલની. આ ગેરરીતિઓને ડામવા જાગૃત નાગરિકે અસરકારક સૂચનો કર્યા છે તેમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો, ૨૦૧૩ હેઠળ રાશન દુકાનથી દર મહીને મળવા પાત્ર અનાજનો જથ્થો; તકેદારી સમિતિ બધી વિગતો જાહેર જનતા આસાનીથી નિહાળી શકે તે રીતે મૂકવી.