દાહોદના કતવારા ગામે હાઈવે રોડ ઉપર ફોર વ્હીલ માંથી 3.88 લાખના દારૂ અને બીયરનો જથ્થો ઝડપ્યો

દાહોદ તાલુકાના કતવારા ગામેથી પસાર થતાં અમદાવાદ ઈન્દૌર હાઈવે રોડ ઉપરથી પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરનો રૂા.3,88,800ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.7, 30,000 ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક સહિત બે ઈસમોની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

ગત તા.01 સપ્ટેમ્બરના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે કતવારા ગામેથી પસાર થતાં અમદાવાદ ઈન્દૌર હાઈવે પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી ત્યારે પોલીસે ફોર વ્હીલર ગાડીની ઉભી રખાવી ગાડીના ચાલક અક્ષયભાઈ અરવિંદભાઈ દેવડા અને તેની સાથેનો સંજયભાઈ રાજુભાઈ મોયેલ (બંન્ને રહે. મધ્યપ્રદેશ) નાઓની પોલીસે પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.2880 કિંમત રૂા.3,88,800ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.7,30,000ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત બંન્ને ઈસમોની પોલીસે કબજે કરી આ સંબંધે કતવારા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.