સ્ટાઈપેન્ડ મુદ્દે રાજ્યભરના રેસિડેન્ટ ડૉક્ટર સોમવારથી હડતાલ પર,૪૦ના બદલે ૨૦ ટકા વધારો અસ્વીકાર્ય

ગુજરાત સરકાર દ્વારા ૩૧મી ઓગસ્ટે ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. જેમાં સરકારી મેડિકલ કૉલેજના મેડિકલ ઇન્ટર્ન્સને રૂ. ૨૧,૮૪૦, ડેન્ટલમાં રૂ. ૨૦,૧૬૦, ફિઝિયોથેરેપીમાં રૂ.૧૩, ૪૪૦ તેમજ આયુર્વેદ અને હોમિયોપથીમાં રૂ. ૧૫,૧૨૦ સ્ટાઇપેન્ડ વધારો કર્યો હતો. જો કે, રાજ્ય સરકારના આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. આ મામલે બી.જે. મેડિકલના રેસિડેન્ટ ડોક્ટરો સોમવાર (બીજી સપ્ટેમ્બર)થી હડતાલ પર ઊતરશે.

રાજ્ય સરકારના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવાનો નિર્ણયનો હવે વિરોધ થઈ રહ્યો છે. ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડોક્ટરોની માંગ છે કે, વર્ષ ૨૦૦૯થી સ્ટાઇપેન્ડમાં ૪૦ ટકા વધારો મળતો હતો તેની જગ્યાએ હવે ૨૦ ટકા જ વધારો આપવામાં આવ્યો છે. હવે સ્ટાઈપેન્ડમાં વધારો ૩ વર્ષની જગ્યાએ ૫ વર્ષે થશે. જેનો ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડોક્ટરો વિરોધ કરી રહ્યા છે. આ મામલે રેસિડેન્ટ ડોક્ટરો સોમવાર (બીજી સપ્ટેમ્બર)થી હડતાલ પર ઊતરશે. આ દરમિયાન ઈમરજન્સી સેવા શરૂ રહેશે.

આ મામલે જુનિયર્સ ડોક્ટર્સ એસોસિયેશનના વાઈસ પ્રેસિડેન્ટ શશાંક આશરાનું કહેવું કે, ’રાજ્ય સરકારમાં ૨૫ વખત રજૂઆત કરી છે.પરંતુ સરકાર દ્વારા અમારી માંગણી સ્વીકારવામાં આવી નથી.અમે પણ નથી ઈચ્છતા કે ઇમરજન્સી બંધ રાખીએ અને દર્દીઓ હેરાન થાય પરંતુ અમારી માંગણી ઘણાં સમયથી પૂરી થતી નથી જેના કારણે અમે વિરોધ કરીએ છીએ. બી.જે. મેડીકલના ૧૨૦૦થી વધુ તથા ગુજરાતના ૩૫૦૦ થી વધુ રેસિડેન્ટ ડોકટરો હડતાળ પર રહેશે અને રાજ્યના ૩ હજારથી વધુ ઇન્ટર્ન ડોકટર પણ હડતાળ પર રહેશે.’

રાજ્યની ૬ સરકારી અને ૧૩ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત મેડિકલ કૉલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અને અનુસ્નાતક તેમજ સુપર સ્પેશ્યાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટ્સ તબીબોને મળતા સ્ટાઇપેન્ડના દરમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારા મુજબ સરકારી મેડિકલ કૉલેજના મેડિકલ ઇન્ટર્ન્સને રૂ. ૨૧,૮૪૦, ડેન્ટલમાં રૂ. ૨૦,૧૬૦, ફિફિઝિયોથેરેપીમાં રૂ.૧૩,૪૪૦ તેમજ આયુર્વેદ અને હોમિયોપથીમાં રૂ. ૧૫,૧૨૦ સ્ટાઇપેન્ડ મળશે.

ડિગ્રીના મેડિકલ રેસિડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂ.૧,૦૦,૮૦૦, બીજા વર્ષમાં રૂ.૧,૦૨,૪૮૦, ત્રીજા વર્ષમાં રૂ.૧,૦૫,૦૦૦, ચોથા વર્ષ (સિનિયર રેસિડન્ટ) અને ક્લિનિકલ આસિસટન્ટને રૂ.૧,૧૦,૮૮૦નો લાભ મળશે. સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓના મેડિકલ રેસિડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂ.૧,૨૦,૯૬૦, બીજા વર્ષમાં રૂ.૧,૨૬,૦૦૦ અને ત્રીજા વર્ષમાં રૂ.૧,૩૪,૪૦૦ તેમજ ડેન્ટલ રેસિડન્ટ (ડિગ્રી)માં પ્રથમ વર્ષમાં રૂ.૭૮,૯૬૦, બીજા વર્ષમાં રૂ.૮૧,૪૮૦, ત્રીજા વર્ષમાં રૂ.૮૩,૪૯૬, ફિઝીયોથેરાપી (ડિગ્રી)માં પ્રથમ વર્ષમાં રૂ.૩૫,૨૮૦ અને બીજા વર્ષમાં રૂ.૪૩,૬૮૦ ચૂકવવામાં આવશે.

મેડિકલ રેસિડન્ટ (ડિપ્લોમા)ને પ્રથમ વર્ષમાં રૂ.૭૫,૬૦૦ અને બીજા વર્ષમાં રૂ.૮૨,૩૨૦ સ્ટાઇપેન્ડ ચૂકવાશે. આયુર્વેદિક સેવાઓમાં પી.જી. રેસિડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂ.૫૦,૪૦૦, બીજા વર્ષમાં રૂ.૫૩,૭૬૦ અને ત્રીજા વર્ષમાં રૂ. ૫૭,૧૨૦ ચૂકવવામાં આવશે. આ ઉપરાંત ય્સ્ઈઇજી સંચાલિત મેડિકલ કૉલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સને રૂ. ૨૧,૮૪૦, જુનિયર રેસિડન્ટ્સને રૂ.૧,૦૦,૮૦૦ અને સિનિયર રેસિડન્ટને રૂ. ૧,૧૦,૮૮૦ ચૂકવવામાં આવશે. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત મેડિકલ કૉલેજના અનુ-સ્નાતક અભ્યાસક્રમના જુનિયર અને સિનિયર રેસિડન્ટ તબીબોને પ્રથમ વર્ષમાં રૂ. ૧,૦૦,૮૦૦, બીજા વર્ષમાં રૂ. ૧,૦૨,૪૮૦, ત્રીજા વર્ષમાં રૂ. ૧,૦૫,૦૦૦ ચોથા વર્ષમાં (સિનિયર રેસિડન્ટ અને ક્લિનિકલ આસિસ્ટન્ટ)ને રૂ. ૧,૧૦,૮૮૦ સ્ટાઇપેન્ટ ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ સ્ટાઇપેન્ડ વધારાનો હુકમ તા. ૦૧/૦૪/૨૦૨૪થી અમલમાં મુકવામાં આવ્યો છે.