દાહોદ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના રિપેરિંગની યુદ્ધના ધોરણે થતી કામગીરી

  • દાહોદ શહેર સહિત અન્ય તાલુકાઓના મેઈન અને અંતરિયાળ રસ્તાઓનું પેચવર્ક કરાયું

સમગ્ર દાહોદ જિલ્લામાં ભારે વરસાદની બેટિંગ બાદ દાહોદ શહેર સહિત જિલ્લાના તમામ તાલુકાઓ અને ગામોને જોડતા નાના-મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને ઘણું નુકસાન થયું હતું. જેની ગંભીરતાને ધ્યાને લઇ વહીવટી તંત્ર દ્વારા જાહેર નાગરિકોને અવર – જવર માટે મુશ્કેલી ભોગવવી ના પડે તે માટે સરકારશ્રી દ્વારા મળેલ સૂચના અનુસાર રિપેરિંગની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે.

અત્યારે દાહોદ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા તમામ નાના-મોટા રોડ, રસ્તાઓ રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દાહોદ શહેર સહિત ગરબાડા તેમજ સીંગવડ તાલુકામાં પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં માતવા – બાવકા રોડ, વડવા એપ્રોચ રોડ, ગરાડા, વડવા વિલેજ લીંબડીયા ફળીયાથી ચીલાકોટા મેઈન રોડ તેમજ ખરેડી જેવા દાહોદ શહેરની આસપાસના ગામોમાં પણ રસ્તા રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.