- ખડેપગે હાજર રહી માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા કામગીરી હાથ ધરાઈ
સમગ્ર રાજ્યમાં વરસાદની અતિવૃષ્ટિના કારણે ઘણા જિલ્લાઓમાં સ્થતિ ખુબ જ ગંભીર થવા પામી છે ત્યારે હાલ વરસાદ થંભી જતા સરકાર ભારે વરસાદના કારણે થયેલ નુકસાન તેમજ રોગચાળા ફેલાવાને ધ્યાને લઇને એક્શન મોડમાં છે.ત્યારે દાહોદ જિલ્લામાં પણ અનરાધાર વરસેલા વરસાદે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઘણું નુકસાન થવા પામ્યું છે. આ સંદર્ભે જોતા લોકોના કાચા ઘરો તૂટવાની સાથોસાથ રસ્તાઓનું પણ મોટેપાયે નુકસાન થવા પામ્યું છે. જેને ધ્યાને લઇને સરકારશ્રી દ્વારા અસર ગ્રસ્તોનો સર્વે હાથ ધરીને સહાય કરવામાં આવી રહી છે. રસ્તાઓની વાત કરીએ તો ભારે વરસાદના લીધે મુખ્ય રસ્તાઓ સહિત મોટાભાગના અંતરિયાળ રસ્તાઓ કે જ્યાં સામાન્ય ગ્રામીણ લોકોની અવર – જવર વધુ રહેતી હોય છે તેવા રસ્તાઓનું ધોવાણ થતા ઘણા ગામ માટે એક જગ્યાએથી અન્ય જગ્યાએ આવવું – જવુ મુશ્કેલ થઇ ગયું હતું.
કલેકટરશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા હાલ રજાના દિવસે પણ સતત કામગીરી કરવામાં આવી રહી છે. જે નોંધનીય છે. લોકોની સુચારુ વ્યવસ્થા માટે થઈને જિલ્લા વહીવટી તંત્ર ખુબ જ સતર્ક રહી અત્યારે તમામ કામગીરી પૂરજોશમાં આદરી રહ્યું છે.દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પંચેલા હોળી ફળીયા, રુવાબારી ઘડિયાળી ફળીયા તેમજ રાણીપુરા દહીંકોટ જેવા અન્ય નુકસાન પામેલ રોડ – રસ્તાઓ પર મેટલ નાખી પેચવર્ક કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી.