કલેકટર કચેરી મહિસાગરમાં કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા બનાવટી સહી કરી હુકમ કરવા જતા ઝડપાઈ જતાં તેની સામે પોલીસ ફરિયાદ નોંધી કડક ફોઝદારી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા કલેકટર દ્વારા ગેરરિતી આચરનાર ઓપરેટર સામે કડક વલણ અખત્યાર કર્યુ હતુ.
કલેકટર કચેરી મહિસાગર-લુણાવાડા આર.ટી.એસ શાખામાં આઉટસોર્સ કંપનીના ઓપરેટર તરીકે ફરજ બજાવતા અતુલ ભોઈ (રહે.લુણાવાડા)દ્વારા નાયબ મામલતદાર તથા કારકુનની બનાવટી સહી કરી, બનાવટી હુકમ કર્યાનુ ઘ્યાન પર આવ્યુ હતુ. જેની ગંભીરતાને ઘ્યાને રાખી ત્વરિત તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે, નિયમિત ચાલતા આર.ટી.એસ.કેસની જેમ જ પક્ષકારો માટેની મુદ્દત કાઢી પક્ષકારોની સહી મેળવી અને ત્યારબાદ 73 એ-એ નુ નિયંત્રણ હટાવતો ખોટી સહીથી બારોબાર હુકમ કર્યો હતો.
તે બાદ ઓનલાઈન સિસ્ટમ સાથે ચેડા કરી કેસ ડિસ્પોઝ કરી અરજદારને આ બનાવટી હુકમ આપી દીધો હતો. તે બાદ બનાવટી હુકમની કાચી નોંધ પણ દાખલ કરેલ હતી. આ બાબતની જાણ લુણાવાડા મામલતદાર કચેરીમાં ઈ-ધરામાં ફરજ બજાવતા કારકુન દ્વારા સહીમાં ખોટી જણાતા તાત્કાલિક કલેકટર કચેરીનુ ઘ્યાન દોરતા તેના અનુસંધાને રજીસ્ટર કોમ્પ્યુટર તથા શાખામાં સાધનિક કાગળોની ચકાસણી કરતા આ હુકમ બનાવટી અને ખોટો હોવાનુ બહાર આવ્યુ હતુ.
આ બાબતની કલેકટર કચેરી દ્વારા ગંભીરતાને ઘ્યાને લઈ સબ આઉટસોર્સ ઓપરેટર અતુલ ભોઈ સામે બનાવટી હુકમ કરવા તથા સરકારી રેકર્ડ સાથે ચેડા કરવા બદલ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધી કડકમાં કડક દાખલ રૂપ ફોઝદારી કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી. કલેકટર કચેરીના સમય સુચકતા કારણે બનાવટી હુકમની બજવણી થતાં અટકી ગઈ હતી. કલેકટર કચેરી મહિસાગરના ઓપરેટર અતુલ ભોઈ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.