પશ્ચિમ બંગાળ વિદ્યાર્થી સમાજના નેતા સયાન લાહિરીને જામીન આપવાના કોલકત્તા હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ પશ્ર્ચિમ બંગાળ સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. સોમવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બેંચ બંગાળ સરકારની અરજી પર સુનાવણી કરશે.
હકીક્તમાં, કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ વિદ્યાર્થી સમાજના નેતા સયાન લાહિરીને જામીન આપ્યા હતા. સયાન લાહિરી વિશે એવો દાવો કરવામાં આવ્યો છે કે તે અહીંની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર કથિત બળાત્કાર અને હત્યાના વિરોધમાં ૨૭ ઓગસ્ટના રોજ રાજ્ય સચિવાલય સુધી આયોજિત રેલીના આયોજકોમાંનો એક હતો. પશ્ચિમ બંગાળ છાત્ર સમાજ એ બે સંગઠનોમાંનું એક હતું જેણે ’નબન્ના અભિજન’ માટે હાકલ કરી હતી.
રેલીની આગેવાનીમાં સક્રિય ભૂમિકા ભજવવા બદલ ૨૭ ઓગસ્ટની સાંજે લાહિરીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે રેલીમાં હિંસા થઈ હતી, જેમાં જાહેર અને ખાનગી સંપત્તિને નુક્સાન થયું હતું. તેમજ પોલીસ અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. સયાન લાહિરીના જામીન સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી બંગાળ સરકારની અરજીમાં કહેવામાં આવ્યું છે કે શાંતિપૂર્ણ આંદોલનની આડમાં લાહિરીએ હિંસક આંદોલનને પ્રોત્સાહન આપ્યું હતું. અરજીમાં લહરીના વિરોધને ગેરકાયદે ગણાવ્યો છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે બંગાળ સરકારને હાઈકોર્ટમાં પોતાનો કેસ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવી નથી. પશ્ચિમ બંગાળ સરકારે પોતાની અરજીમાં કહ્યું છે કે લાહિરીને જામીન આપવાનો કોલકત્તા હાઈકોર્ટનો નિર્ણય યોગ્ય નથી. બંગાળ સરકારની અરજીમાં કહેવામાં આવ્યું છે કે લાહરી અને અન્યોના કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી છે. બંગાળ સરકારની અરજીમાં કહેવામાં આવ્યું છે કે આરોપીઓને જામીન પર મુક્ત કરવાથી તપાસ પ્રભાવિત થઈ શકે છે.