કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો હતો કે કોલકાતા રેપ-હત્યા કેસ મામલે પીડિતાનાં માતા-પિતાને નજરકેદ કરવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે તેઓ ટ્રેઈની ડોક્ટરના પરિવારને મળ્યા છે. પોલીસે તેમને નજરકેદ કરી રાખ્યાં છે. તેમને બહાર જવા દેવામાં આવી રહ્યાં નથી. ઘરની આસપાસ બેરિકેડ લગાવવામાં આવ્યા છે. સીઆઇએસએફ પાસે આ અંગે કોઈ માહિતી નથી.પીડિતાના પરિવારને પોલીસ દ્વારા પૈસાની પણ ઓફર કરવામાં આવી હતી, જેથી તેઓ તેમની પુત્રીના અંતિમ સંસ્કાર ઝડપથી કરી શકે. આ બધું રાજ્ય સરકારની સૂચના પર કરવામાં આવ્યું હતું.
૮ ઓગસ્ટની રાત્રે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક ટ્રેઈની ડોક્ટર પર રેપ અને હત્યા કરવામાં આવી હતી. ૯ ઓગસ્ટની સવારે ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી દેશભરના ડોક્ટરો રસ્તા પર ઊતરી આવ્યા હતા. સુપ્રીમ કોર્ટની અપીલ બાદ અનેક હોસ્પિટલોના ડોક્ટરોએ હડતાળ સમેટી છે. જોકે પ્રદર્શન ચાલુ છે.
અધીર રંજને કહ્યું કે ટીએમસી કહી રહી છે કે સીબીઆઈ બંગાળના લોકોનું યાન ભટકાવવા માટે કંઈ કરી રહી નથી. સીએમ મમતા બેનર્જી સીબીઆઈને નિશાન બનાવીને પોતાની જવાબદારીથી બચવા માંગે છે. હું તેમને કહેવા માગું છું કે પશ્ર્ચિમ બંગાળ સરકાર અને પોલીસની જવાબદારી છે કે તેઓ સીબીઆઈને સહકાર આપે અથવા તથ્યો સાથે તેની ખામીઓ દર્શાવે.
કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે જ્યારે સીબીઆઈએ તપાસ સંભાળી ત્યારે સીએમ મમતા બેનર્જી પોતાની જવાબદારીઓથી હાથ ખંખેર્યા હતા. આ મામલે તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી કોઈ રાજ્ય સરકારને દોષી ઠેરવે નહીં. જેના કારણે હજુ સુધી આ કેસમાં સાચો ગુનેગાર કોણ છે તે અમે જાણી શક્યા નથી.
ડોક્ટર રેપ-હત્યાના વિરોધમાં ૩૧ ઓગસ્ટના રોજ રવીન્દ્ર ભારતી યુનિવસટી પાસે જુનિયર ડોક્ટરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન એક નશામાં ધૂત વ્યક્તિ બાઇક પર ઘૂસી આવ્યો હતો અને તેણે એક વિદ્યાર્થીને ટક્કર મારી હતી. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તે કોલકાતા પોલીસનો સિવિક વોલન્ટિયર હતો, તેની બાઇક પર પોલીસનું સ્ટિકર પણ હતું. રેપ-હત્યા કેસનો આરોપી સંજય રોય કોલકાતા પોલીસમાં સિવિક વોલન્ટિયર પણ હતો.
૮-૯ ઓગસ્ટની રાત્રે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાઇરલ થઈ રહી છે. ઘટના બાદ ૧૦-૧૨ લોકો ક્રાઈમ સીન પર દેખાય છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટ્રેઇની ડોક્ટરની રેપ અને હત્યા બાદ પોલીસ સિવાય અન્ય લોકો પણ ક્રાઇમ સીન પર ગયા હતા, જેના કારણે પુરાવા સાથે ચેડાં થવાનો અવકાશ છે. સીબીઆઈએ ૨૦ ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં પુરાવા સાથે ચેડાં થવાની આશંકા પણ વ્યક્ત કરી હતી.
૨૦ ઓગસ્ટે કેસની સુનાવણી દરમિયાન સીબીઆઈના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એફઆઈઆર નોંધવામાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કોર્ટમાં કહ્યું- ક્રાઈમ સીન સાથે ચેડાં કરવામાં આવ્યાં છે. એના પર જસ્ટિસ જેબી પારડીવાલાએ કહ્યું- કોલકાતા પોલીસની ભૂમિકા પર શંકા છે. મેં મારી ૩૦ વર્ષની કારકિર્દીમાં તપાસમાં આવી બેદરકારી ક્યારેય જોઈ નથી.
ટીએમસી અને ભાજપ બંનેએ શુક્રવારે (૩૦ ઓગસ્ટ) બળાત્કાર-હત્યા કેસને લઈને વિરોધ કર્યો હતો. બંગાળ ભાજપના મહિલા મોરચાએ ’મહિલા આયોગ લોકઆઉટ અભિયાન’ અંતર્ગત રાજ્ય મહિલા આયોગની ઓફિસ સુધી કૂચ કરી હતી.