દરેક મંદિરને ૧૦ લાખ, પૂજારીઓને દર મહિને ૧૫ હજાર આપવામાં આવશે,મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું છે કે રાજ્યમાં મંદિરોમાં માત્ર હિન્દુઓને જ નોકરી આપવામાં આવશે. તેમણે મંદિરના પૂજારીઓના પગારમાં ૫૦ ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. આ સાથે, ’નાઈ બ્રાહ્મણો’ (મંદિરોમાં કામ કરતા વાળંદ)ને લઘુત્તમ માસિક ૨૫,૦૦૦ રૂપિયાનો પગાર આપવામાં આવશે. વેદ વિદ્યા મેળવનાર બેરોજગાર યુવાનોને પણ ૩,૦૦૦ રૂપિયાનું માસિક ભથ્થું આપવામાં આવશે.

મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ રાજ્યભરના વિવિધ મંદિરોમાં કામ કરતા ૧૬૮૩ અર્ચકો (પૂજારી)નો પગાર ૧૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૧૫,૦૦૦ રૂપિયા પ્રતિ માસ કરવાની જાહેરાત કરી છે. વધુમાં, રાજ્ય સરકારે ’ધૂપ દીપ નૈવેદ્યમ યોજના’ હેઠળ નાના મંદિરોને આપવામાં આવતી નાણાકીય સહાયને ૫,૦૦૦ રૂપિયા પ્રતિ માસથી વધારીને ૧૦,૦૦૦ રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે.

બેઠક દરમિયાન એવું નક્કી કરવામાં આવ્યું હતું કે મંદિર ટ્રસ્ટમાં બોર્ડના વધુ બે સભ્યો ઉમેરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ૨૦ કરોડ કે તેથી વધુની આવક ધરાવતા મંદિરોના ટ્રસ્ટ બોર્ડમાં ૧૫ સભ્યો છે. હવે આ સંખ્યા વધારીને ૧૭ કરવામાં આવશે. આ ઉપરાંત ટ્રસ્ટ બોર્ડમાં એક બ્રાહ્મણ અને એક વાળંદ બ્રાહ્મણ સભ્ય હશે તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી. એનડીએએ ચૂંટણી પહેલા આ વચન આપ્યું હતું.

મીટિંગ દરમિયાન, સીએમ નાયડુએ કહ્યું, હિંદુ મંદિરોમાં બિન-હિંદુઓને કોઈ નોકરી આપવી જોઈએ નહીં. આંધ્ર પ્રદેશમાં ૧,૧૧૦ મંદિરો માટે ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી રહી છે. નાયડુએ એવી પણ જાહેરાત કરી હતી કે હાલમાં ગેરકાયદેસર રીતે કબજે કરાયેલી મંદિરની ૮૭,૦૦૦ એકર જમીન કાનૂની માધ્યમો દ્વારા ફરીથી મેળવવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યમાં બળજબરીથી ધર્માંતરણ ન થવું જોઈએ.

સીએમ નાયડુએ જાહેરાત કરી કે શ્રીવાણી ટ્રસ્ટ હેઠળ દરેક મંદિરને ૧૦ લાખ રૂપિયા આપવામાં આવશે. જો જરૂરી હોય તો તે કામોની સમીક્ષા પૂર્ણ થયા બાદ વધુ ફંડ આપવામાં આવશે. અધિકારીઓને તે મંદિરો માટે દરખાસ્ત મોકલવા માટે કહેવામાં આવ્યું હતું જ્યાં ૧૦ લાખ રૂપિયાથી વધુની જરૂર છે.

મુખ્યમંત્રીએ શ્રીવાણી ટ્રસ્ટ ફંડ માટે જવાબદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો અને અધિકારીઓને મંદિરો અને તેમની મિલક્તોની સુરક્ષા માટે એક સમિતિની રચના કરવા નિર્દેશ આપ્યો. તેમણે તમામ મંદિરો માટે ઓનલાઈન સિસ્ટમ લાગુ કરવા જણાવ્યું હતું. તેમજ એન્ડોમેન્ટ વિભાગના અધિકારીઓને કૃષ્ણા અને ગોદાવરી નદીઓને પુન:જીવિત કરવા નિર્દેશ આપ્યો હતો.

હિન્દુ ધાર્મિક એન્ડોમેન્ટ્સ વિભાગના અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન, નાયડુએ રાજ્યના દરેક મંદિરમાં આધ્યાત્મિકતાને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે નિર્દેશ આપ્યો કે મંદિરો અને તેની આસપાસના વિસ્તારોને સંપૂર્ણપણે સ્વચ્છ રાખવા જોઈએ, જેથી ત્યાં આધ્યાત્મિક વાતાવરણ જળવાઈ રહે. મુખ્યમંત્રીએ પ્રવાસન વિભાગ, હિંદુ ચેરિટી વિભાગ અને વન વિભાગના અધિકારીઓની બનેલી સમિતિની રચના કરવાની પણ જાહેરાત કરી હતી. આ સમિતિ મંદિરોના વિકાસની દેખરેખ રાખશે, ખાસ કરીને જે જંગલ વિસ્તારોમાં સ્થિત છે. સમિતિ આ સ્થળોની પ્રાકૃતિક સુંદરતા અને આધ્યાત્મિક મહત્વને જાળવી રાખશે અને વધુને વધુ પ્રવાસીઓ માટે તેને સુલભ બનાવશે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું, આંધ્રપ્રદેશના દરેક મંદિરમાં આધ્યાત્મિકતા ખીલવી જોઈએ. આયાત્મિક કાર્યક્રમોનું આયોજન એ રીતે થવું જોઈએ કે ભક્તો મંદિરમાં પાછા આવે અને તેમને એવું ન લાગે કે તેમની પાસેથી પૈસાની ઉચાપત થઈ રહી છે. મંદિરો અને તેની આસપાસનો વિસ્તાર ખૂબ જ સ્વચ્છ રાખવામાં આવે તે પણ મહત્વનું છે. મીટિંગ દરમિયાન, નાયડુએ અગાઉના વાયએસ જગન મોહન રેડ્ડી વહીવટ દરમિયાન, મંદિરના રથ સળગાવવા સહિત હિન્દુ મંદિરો પર હુમલાની ઘટનાઓની સખત નિંદા કરી હતી. તેમણે આવા ગુનાઓ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની હાકલ કરી અને ભારપૂર્વક જણાવ્યું કે આંધ્રપ્રદેશમાં બળજબરીથી ધર્મ પરિવર્તન સહન કરવામાં આવશે નહીં.