ડબ્લ્યુએચઓના નિર્દેશને પગલે ત્રણ દિવસ માટે રોકી દેવામાં આવશે ઈઝરાયેલ હમાસ યુદ્ધ

છેલ્લા ઘણાં સમયથી ચાલી રહેલું ઈઝરાયેલ-હમાસ યુદ્ધ ત્રણ દિવસ માટે રોકી દેવામાં આવ્યું છે.ડબ્લ્યુએચઓના એક વરિષ્ઠ અધિકારી રિક પેપરકોર્ને જણાવ્યું કે, ઈઝરાયેલી સેના અને પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે ૬,૪૦,૦૦૦ બાળકોને પોલિયો રસીકરણ માટે ત્રણ દિવસ માટે યુદ્ધવિરામ રાખવાનો નિર્ણય કર્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ વિરામ વિવિધ વિસ્તારોમાં ત્રણ દિવસ માટે રહેશે, જેથી પેલેસ્ટિનિયન બાળકો માટે પ્રથમ તબક્કાનું રસીકરણ થઈ શકે.

રિક પેપરકોર્ને જણાવ્યું હતું કે રસીકરણ અભિયાન રવિવારે શરૂ થશે, જેમાં સવારે ૬ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી વિરામ રહેશે. આ અભિયાનનો પ્રારંભ મય ગાઝામાં શરૂ થશે, જેના માટે સતત ત્રણ દિવસ સુધી યુદ્ધ બંધ રહેશે. એ પછી દક્ષઇણ ગાઝામાં રસીકરણ ચાલુ થશે. પછી ત્યાં ત્રણ દિવસ માટે ફરીથી યુદ્ધ બંધ કરાશે. છેલ્લે ઉત્તરી ગાઝામાં રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે. પેપરકોર્ને કહ્યું કે જો જરૂરી હોય તો ચોથા દિવસે પણ દરેક ક્ષેત્રમાં યુદ્ધ અટકાવાશે. જેના માટે પણ સહમતિ સધાઈ છે.

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના કટોકટી નિર્દેશક માઇક રયાને કહ્યું કે ગાઝામાં માનવતાવાદી પરિસ્થિતિ અંગેની બેઠક દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે બતાવ્યું કે અમારા અનુભવમાં પર્યાપ્ત કવરેજ મેળવવામાં ઘણીવાર એક કે બે દિવસનો વધારાનો સમય લાગે છે. આ રસીકરણનો પ્રથમ તબક્કો છે, ચાર અઠવાડિયા પછી રસીકરણનો બીજો તબક્કો પણ જરૂરી બનશે. પોલિયોના પ્રકોપને રોકવા માટે તમામ તબક્કામાં ઓછામાં ઓછું ૯૦ ટકા કવરેજ થવું જરૂરી છે.’

ઇઝરાયેલ આર્મીના માનવતાવાદી એકમે કહ્યું છે કે રસીકરણ અભિયાન ઇઝરાયેલ આર્મી સાથે સંકલન કરીને હાથ ધરવામાં આવશે. ઈઝરાયેલે કહ્યું કે લોકો સરળતાથી રસીકરણ કેન્દ્ર સુધી પહોંચીને પોતાના બાળકોને રસી અપાવી શકે તે માટે આ સમયગાળા દરમિયાન કોઈ યુદ્ધ થશે નહીં.