મતદાર કોઇ પણ વ્યાપાર, ધંધા, ઔદ્યોગિક એકમ નોકરી કરતા હોય સવેતન રજાના હક્કદાર

  • રોજમદાર કે કેજ્યુઅલ કામદારો પણ મતદાનના દિવસે રજા અને વેતનના હક્કદાર.

દાહોદ,

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આગામી તા.1 ડિસેમ્બર અને તા. 5 ડિસેમ્બરે મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે સબંધિત વિધાનસભા મતવિભાગોમાં રજા જાહેર કરાઇ છે.

તદ્દાનુસાર, ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 ના બંન્ને તબક્કામાં જે તે મતવિભાગમાં સમાવિષ્ટ વિસ્તારોમાં આ બંને દિવસે વિવિધ અધિનિયમ મુજબ રજા જાહેર કરાઇ છે. જેમાં લોકસભા કે રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓમાં મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિ કોઇ પણ વ્યાપાર, ધંધા, ઔદ્યોગિક એકમ અથવા કોઇ પણ અન્ય સંસ્થામાં નોકરી કરતા હોય તેમને મતદાનના દિવસે રજા મંજૂર કરવાની રહેશે. તેમજ કોઇ પણ વ્યક્તિના વેતનમાંથી કોઇ કપાત કે સુધારો કરવાનો રહેશે નહીં, અને જો આવી વ્યક્તિ સામાન્ય રીતે રજાના દિવસે વેતન નહી મેળવે તેવા આધારે નોકરી ઉપર રાખવામાં આવ્યા હોય તેવી વ્યક્તિને પણ રજા ન હોત અને તે દિવસે તેને જે વેતન મેળવવાપાત્ર હોય તેટલું વેતન મંજૂર કરવાનું રહેશે. કોઇ નોકરીદાતા આ જોગવાઇઓનું ઉલ્લંઘન કરશે તેઓ દંડને પાત્ર ઠરશે. આ કલમ એવા કોઇ મતદારને લાગુ નહીં પડે જેની ગેરહાજરી ભય કે વ્યાપક નુકશાનમાં પરિણમે.

નોંધાયેલ મતદાર જો મત વિભાગમાં વસવાટર કરતો હોય પરંતુ જયાં સામાન્ય ચૂંટણી હોય તેવા મતવિભાગની બહારના વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમ કે સંસ્થામાં નોકરી કરતો હોય તો પણ તેવા મતદાર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ અન્વયે સવેતન રજાનો હક્કદાર રહેશે. તેમજ રોજમદાર કે કેજ્યુઅલ કામદારો પણ મતદાનના દિવસે રજા અને વેતનના હક્કદાર છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના નાયબ સચિવએ એક યાદીમાં ઉક્ત બાબત જણાવી છે.