’બુલડોઝર જસ્ટિસ’ પર પ્રતિબંધ મૂકવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જમિયત ઉલેમા-એ-હિંદે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપીઓના ઘરો પર બુલડોઝર ચલાવતી સરકારો પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. અરજીમાં યુપી, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બુલડોઝિંગની તાજેતરની ઘટનાઓ ટાંકવામાં આવી છે. લઘુમતી સમુદાયને નિશાન બનાવવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ આ અરજી પર વહેલી સુનાવણીની માંગ કરી છે. આ અરજી જહાંગીર પુરી કેસમાં જ વકીલ ફારુખ રાશિદે દાખલ કરી છે.
સુપ્રીમ કોર્ટ આ મામલે ૨ સપ્ટેમ્બરે સુનાવણી કરશે. આ મામલો જસ્ટિસ બીઆર ગવઈની બેંચ સુધી પહોંચ્યો છે. આવેદનમાં કહેવામાં આવ્યું છે કે સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો, ખાસ કરીને લઘુમતીઓ સામે જુલમ અને આતંકનું ચક્ર ઉભું કરવા માટે, રાજ્ય સરકારો તેમના ઘરો અને મિલક્તો પર બુલડોઝરના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. સરકાર અને વહીવટીતંત્ર પીડિતોને પોતાને બચાવવા માટે કાયદાકીય પગલાં લેવાની તક પણ આપતા નથી, તેના બદલે તેઓ તરત જ તેમને સજા આપવા માટે બુલડોઝરનો ઉપયોગ કરે છે.
તાજેતરમાં, આ વર્ષે ફેબ્રુઆરીમાં એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં, એપ્રિલ ૨૦૨૨ થી જૂન વચ્ચે દિલ્હી, આસામ, ગુજરાત, મય પ્રદેશ અને યુપીમાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ પછી બુલડોઝરનો ઉપયોગ કરીને ૧૨૮ મિલક્તોને તોડી પાડવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે મે મહિનામાં મયપ્રદેશમાં એક આરોપીના પિતાની સંપત્તિ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું, તે પણ ઘટનાના થોડા કલાકોમાં એટલે કે કાયદાકીય પ્રક્રિયા શરૂ થાય તે પહેલા, સરકારે સજા પણ આપી હતી. એ જ રીતે મુરાદાબાદ અને બરેલીમાં ૨૨ અને ૨૬ જૂને બે એફઆઈઆરમાં નામ આપવામાં આવેલા આરોપીઓની છ મિલક્તો પર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે જૂન ૨૦૨૪માં મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં પ્રાણીઓની તસ્કરીના આરોપીઓની ૧૨ મિલક્તોને પણ બુલડોઝર વડે જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી. ઓગસ્ટ ૨૦૨૪માં રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં વહીવટીતંત્ર અને વન વિભાગની ટીમ દ્વારા રાશિદ ખાનનું ઘર તોડી પાડવામાં આવ્યું હતું. રાશિદના ૧૫ વર્ષના પુત્ર પર સ્કૂલમાં તેના ક્લાસમેટને છરી મારવાનો આરોપ હતો. પીડિતા અને આરોપી અલગ-અલગ ધર્મના અનુયાયીઓ હોવાથી કોમી તણાવ વયો અને હિંસક અથડામણ થઈ. બીજા જ દિવસે એક બુલડોઝર રશીદના ઘરે ગયું.