સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ સ્પષ્ટીકરણ આપ્યું છે. તેમણે કહ્યું કે મને ભારતીય ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસછે. હું ભારતીય ન્યાયતંત્રનું સન્માન કરું છું. હું સમજું છું કે ૨૯ ઓગસ્ટે મીડિયામાં મારા નિવેદન પરથી એવું લાગી રહ્યું હતું કે હું માનનીય કોર્ટ પર સવાલો ઉઠાવી રહ્યો છું. હું પુનરોચ્ચાર કરું છું કે હું ન્યાયિક પ્રક્રિયામાં દૃઢ વિશ્વાસ રાખું છું. મીડિયા રિપોર્ટ્સમાં આપવામાં આવેલા નિવેદનો માટે હું બિનશરતી ખેદ વ્યક્ત કરું છું.
આવા અહેવાલોમાં મારા નામે કરવામાં આવેલી ટિપ્પણીઓને સંદર્ભની બહાર લેવામાં આવી છે. મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. મને ન્યાયતંત્ર અને તેની સ્વતંત્રતા માટે સંપૂર્ણ સન્માન છે. હું ભારતના બંધારણ અને તેના સિદ્ધાંતોમાં દૃઢ વિશ્વાસ રાખું છું. મને ન્યાયતંત્ર માટે સર્વોચ્ચ સન્માન છે અને રહેશે.
આ પહેલા સુપ્રીમ કોર્ટે તેલંગાણાના સીએમ રેવન્ત રેડ્ડીએ સુપ્રીમ કોર્ટ વિશે આપેલા નિવેદન સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. જસ્ટિસ બીઆર ગવઈની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે સીએમ રેવંત રેડ્ડીના નિવેદનોની ટીકા કરી હતી. કોર્ટે ટિપ્પણી કરી હતી કે બંધારણીય અધિકારી આ રીતે બોલી રહ્યા છે. તેમને કોઈની ટીકાથી કોઈ વાંધો નથી, પરંતુ તેઓ પોતાની વિવેકબુદ્ધિ મુજબ ફરજ બજાવતા રહેશે. રેડ્ડીના નિવેદન પર સખત વાંધો વ્યક્ત કરતા કોર્ટે કહ્યું હતું કે કોર્ટને રાજકીય લડાઈમાં ઘસડવું યોગ્ય નથી. કોર્ટ રાજકીય પક્ષોની સલાહ લીધા બાદ નિર્ણય આપતી નથી. આવા નિવેદનો લોકોના મનમાં શંકા પેદા કરે છે.
સુપ્રીમ કોર્ટે એ પણ સવાલ કર્યો હતો કે શું તે કોઈપણ રાજકીય પક્ષ સાથે ચર્ચા કર્યા પછી આદેશ પસાર કરશે. જ્યારે સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે જો તેલંગાણાના મુખ્યમંત્રી દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટનું સન્માન નહીં કરે તો કેસ અન્યત્ર ચલાવી શકાય છે.
આ મામલે જવાબ આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો ન્યાયતંત્ર વિધાનસભામાં દખલ ન કરે તો તેમની પાસેથી પણ એવી જ અપેક્ષા રાખવામાં આવે છે. જ્યારે ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે. કવિતાને જામીન આપવા પર તેલંગાણાના સીએમની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા નિવેદનો લોકોના મનમાં આશંકા પેદા કરી શકે છે.
તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે ૨૦૧૫ના કેશ ફોર વોટ કેસને તેલંગાણાની બહાર ટ્રાન્સફર કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી ૨ સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી છે. બીઆરએસ નેતા કે. કવિતા બે દિવસ પહેલા જ તિહાર જેલમાંથી જામીન પર છૂટી હતી.