હાલોલમાં આડા સંબંધની શંકાએ પતિએ પત્નિ અને સાવકી પુત્રીને જીવતા સળગાવતા પત્નિનુ મોત

હાલોલ જીઆઈડીસીમાં રહેતા પતિએ આડાસંબંધની શંકા રાખી પત્નિ અને સાવકી પુત્રીને જીવતા સળગાવી દીધા હતા. જેમાં પત્નિનુ મોત નીપજયું છે. જયારે પુત્રી હજુ સારવાર હેઠળ છે. ત્યારબાદ પતિની પણ હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ મળી હતી. પત્નિને સળગાવી દેનાર પતિ સામે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે પરંતુ પતિ દિલીપસિંહની હત્યા અંગે હજુ જાણકારી મળી નથી.

હાલોલ જીઆઈડીસીના દુણીયા ખાતે આવેલા સ્મશાનમાંથી હાલોલ ટાઉન પોલીસને કાલોલ તાલુકાના બાકરોલ ગામે રણછોડ ભગતા વાળા ફળિયામાં રહેતા દિલીપસિંહ નટવરસિંહ ગોહિલ (ઉ.વ.45)નો હત્યા કરીને ફેંકી દેવાયેલ મૃતદેહ મળ્યો હતો. જેમાં દિલીપસિંહના ગળા પર તથા શરીરના અન્ય ભાગો પર ઈજાના નિશાન હતા.

પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે,દિલીપસિંહ નટવરસિંહ ગોહિલનુ લગ્ન પ્રસન્ના બેન સાથે થયુ હતુ. જેમાં તેઓને 24 વર્ષનો પુત્ર હતો. જેનુ આજથી ચાર વર્ષ અગાઉ અકસ્માતમાં મોત થયુ હતુ. છેલ્લા 20 વર્ષથી દિલીપસિંહ ગોહિલ હાલોલ જીઆઈડીસીની પનોરમા ચોકડી પાસે આવેલ આશિર્વાદ વે બ્રિજની બાજુમાં પોતાની બીજી પત્નિ સજજબેન (ઉ.વ.45)તથા ત્રણ દિકરીઓ સાથે રહેતા હતા.

જે પૈકી છાયાબેન અને રક્ષાબેન પોતાની સાસરીમાં રહે છે. જયારે પુત્રી ભુમિકાબેન, સજજબેન અને દિલીપસિંહ સાથે રહેતા હતા. ગત તા.25મીએ રાત્રિએ સુઈ ગયા બાદ ભુમિકાબેનન અને તેઓની માતા સુઈ ગયા હતા. રાત્રિના બે વાગ્યાના સુમારે આગમાં બળવા લાગતા ભુમિકાબેન અચાનક જાગી ગયા હતા. અને જોયુ હતુ કે તેમના રૂમમાં આગ લાગી હતી. જેમાં સજજબેન દાઝેલ હાલતમાં પલંગની નીચે પડેલા હતા.

જયારે તેઓના પિતા દિલીપસિંહ પોતે પણ શરીરે દાઝી ગયેલ હાલતમાં દોડીને રૂમનો દરવાજો ખોલી બહાર નીકળી ત્યાંથી ભાગી ગયા હતા. સારવાર દરમિયાન સજજનબેનનુ મોત નીપજયું હતુ. પોલીસે ભુમિકાબેનની પુછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે ભુમિકાબેનની ફરિયાદના આધારે મૃતક દિલીપસિંહ નટવરસિંહ ગોહિલ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.