લીમખેડાના મોટી બાંડીબારની સુગમ પાટડી પ્રા.શાળા જર્જરિત થતાં એસએમસી સભ્યો દ્વારા બંધ કરાવાઈ

મોટી બાંડીબાર ગામની સગુમ પાટડી પ્રા.શાળા જર્જરિત હાલતમાં હોવાથી અગમચેતીના પગલા રૂપે એસએમસી સભ્યોએ શાળા બંધ કરવાની ફરજ પાડતા ચકચાર મચી જવા પામી છે.

લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામની સગુમ પાટડી પ્રા.શાળામાં 170 જેટલા બાળકો અભ્યાસ કરે છે. પ્રા.શાળાના ઓરડાઓમાં તિરાડો પડી જવાથી વરસાદનુ પાણી શાળાના તમામ ઓરડાઓમાં પડે છે. ગમે ત્યારે પણ છતમાંથી પ્લાસ્ટર પોપડા કે આખી છત પડી જાય તેવી દહેશત બાળકોના વાલીઓ સેવી રહ્યા છે. શાળાનુ બાંધકામ હલકી કક્ષાનુ હોવાથી સ્પષ્ટ જોવાઈ આવે છે. શાળાના ઓરડાઓ જર્જરિત હાલતમાં હોવાથી સ્કુલનો સ્ટાફ દ્વારા બાળકોને ઓટલા પર બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે.

ગ્રામજનો તથા એસએમસી સભ્યો દ્વારા અવાર નવાર શિક્ષણ વિભાગને રજુઆતો કરવા છતાં કોઈપણ સુરક્ષાના પગલા નહિ લેવાતા તમામ બાળકોને મઘ્યાહન ભોજન બાદ રજા આપી દેવાની રજુઆત એસએમસી સભ્યો દ્વારા સગુમ પાટડી પ્રા.શાળાના સ્ટાફને જણાવી બાળકોનો અભ્યાસ નહિ બગડે તે માટે તાત્કાલિક વૈકલ્પિક સુવિધા ઉભી કરવા માટે શાળાના આચાર્યને જણાવવામાં આવ્યુ છે.