લીમડી નગરના મોઢીયાવાડમા રહેતા ધર્મેશ ઓચ્છવલાલ મોઢીયા અને તેમના પુત્ર કર્તવ્ય ઓૈચ્છવલાલ મોઢીયા કરંબા મુકામે વ્યાપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે નિત્ય ક્રમ મુજબ દરરોજ તેઓ દુકાને આવી વ્યાપાર કરતા હતા. તારીખ 29-08-2024 ગુરૂવારના રોજ સાંજે ઓચ્છવલાલ પંચાલે નિત્ય ક્રમ મુજબ દુકાન બંધ કરી લીમડી જવા નીકળ્યા હતા અને તેમના પુત્ર કર્તવ્ય બાઇક લઇ આવું છું, તેમ કહી કરંબા રોકાઈ ગયેલ હતા.
મોડે સુધી લીમડી મુકામે પુત્ર ઘરે ન આવતા પિતા દ્વારા ફોન કરવામાં આવતા ફોન બંધ આવેલ હતો અને અંદાજીત સાડા આઠ વાગ્યાની સુમારે પિતા ઓચ્છવલાલને લીમડી થી કરંબા જતા માછણ નદીના પુલ ઉપર પુત્ર કર્તવ્યની બાઇક પડેલ છે, તેવું જાણવા મળતા તેઓ તેમના પરિવારજનો સાથે માછણ નદી પહોંચી ગયેલ હતા.
આ વાતની લીમડી નગરમાં જાણ થતાં પોલીસ તંત્ર તેમજ નગરના લોકો માછણનદી પાસે પહોંચી ગયેલ હતા. ત્યાં લીમડી નગરના પીએસઆઇ ગોહેલ સહિતનો પોલીસ સ્ટાફ દ્વારા ઘટના સ્થળે પહોંચી સામગ્ર મામલે ગંભીરતાથી લઈ ગુમ થયેલ કર્તવ્યભાઈની શોધખોળ હાથ ધરી હતી. મોડી રાત સુધી પોલીસ સ્ટાફ શોધખોળ કરતા કર્તવ્યભાઈ મળી આવેલ ન હતા. ઝાલોદ નગરની ફાયરબ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા નદીમાં કુદી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
તેવામાં તારીખ 30-08-2024 ના રોજ અંદાજીત સવારના સાડાસાત વાગ્યાની આજુબાજુ માછણ નદી માંથી એક મૃતક અવસ્થામાં એક યુવક મળી આવેલ હતો અને તપાસ કરતા તે યુવક કર્તવ્ય હોવાનું માલુમ પડેલ હતું. પુત્રની લાશ મળતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયેલ હતા અને મૃતકની લાશને પોલીસ દ્વારા વધુ તપાસ અર્થે પોસ્ટમોર્ટમ કરવા મોકલેલ હોવાનું જાણવા મળેલ હતું.