રાજ્યભરમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી થતા જ તમામ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ શાંત થતા વર્ષા બાદની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જેમાં ખાસ કરીને આરોગ્ય સંલગ્ન કામગીરી મુખ્ય છે. વરસાદી ૠતુમાં આરોગ્ય પર ખરાબ અસર પડતી હોય છે. એવામાં જ્યારે આ રીતે ભારે વરસાદ વરસ્યો હોય ત્યારે આરોગ્ય પરનું જોખમ વધી જતું હોય છે.
તેથી પાટણ જિલ્લામાં હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા ખુબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં પાટણ શહેરી વિસ્તારમાં ૩૮ આશા વર્કર્સ અને ૧૪ ફિમેલ હેલ્થ વર્કર્સ, રાધનપુર શહેરી વિસ્તારમાં ૨૦ આશા વર્કર્સ ૧ ફિ.હે.વ. ૧ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને સિધપુર શહેરી વિસ્તારમાં ૧૧ આશા વર્કર્સ, ૬ ફિ.હે.વ. અને ૧ મ.પ.હે.વ. દ્વારા સર્વેલન્સ તથા પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે. શહેરી વિસ્તારોમાં સઘન રોગ અટકાયતી પગલા માટે ગ્રામ્ય કક્ષાના મ.પ.હે.વ.ને પ્રતિનિયુક્તિ આપવામાં આવી છે.
જે અંતર્ગત દર અઠવાડિયે સર્વેલન્સ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત વરસાદી પાણી ભરાતા ખાડા ખાબોચિયામાં ડાયલુબેન્જુરોન અથવા બળેલા ઓઇલનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જેનું જિલ્લા કક્ષાએથી સઘન સુપરવિઝન અને મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
પાટણ શહેરી વિસ્તારમાં ૬ વેકટર કંટ્રોલ ટીમ (૩૦ વ્યક્તિ), સિધપુર શહેરી વિસ્તારમાં ૨ વેકટર કંટ્રોલ ટીમ (૧૦ વ્યક્તિ), ચાણસ્મા શહેરી વિસ્તારમાં ૧ વેકટર કંટ્રોલ ટીમ (૫ વ્યક્તિ), હારીજ શહેરી વિસ્તારમાં ૧ વેકટર કંટ્રોલ ટીમ (૫ વ્યક્તિ), રાધનપુર શહેરી વિસ્તારમાં ૨ વેકટર કંટ્રોલ ટીમ (૧૦ વ્યક્તિ) અને વારાહી ગામ માટે ૧ વેકટર કંટ્રોલ ટીમ (૫ વ્યક્તિ), આમ કુલ – ૧૩ વેકટર કંટ્રોલ ટીમો દ્વારા સઘન પોરાનાશક કામગીરી કરાવવામાં આવશે. જેઓને ૪ માસ માટે રોકવામાં આવેલ છે. તદઉપરાંત પ્રાઇવેટ તથા સરકારી યુનિટમાંથી જાહેર થતા મેલેરીયા, ડેન્ગ્યુ કે ચિકુનગુનિયાના કેસ નોંધાયેલ વિસ્તારમાં સઘન સર્વેલન્સ, પોરાનાશક દવાનો છંટકાવ, આઇ.ઇ.સી અને ફોગીંગની કામગીરી કરવામાં આવી રહી છે.