કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાએ દેશને આંચકો આપ્યો છે. તેમજ ફરી એકવાર મહિલા સુરક્ષાનો પ્રશ્ર્ન ઉભો થયો છે. તાજેતરમાં અભિનેત્રી શબાના આઝમી પણ આ અંગે ચિંતા વ્યક્ત કરતી જોવા મળી હતી. તેમણે કોલકાતામાં બળાત્કાર અને હત્યાની આ ઘટનાને શરમજનક ગણાવી હતી અને કહ્યું હતું કે નિર્ભયાની ઘટના બાદ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. પીઢ અભિનેત્રીએ કહ્યું કે મહિલા સુરક્ષાને મજબૂત કરવા માટે પિતૃસત્તાક માનસિક્તાનો અંત લાવવાની જરૂર છે.
શબાના આઝમીએ પૂણે સ્થિત ગ્રેવિટાસ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ)ના સહયોગથી આયોજિત ’બિલ્ડિંગ એ સેફ વર્લ્ડ ફોર ચિલ્ડ્રન’ પરના રાઉન્ડ ટેબલમાં હાજરી આપી હતી. અહીં તેમને કોલકાતામાં એક ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા તેમજ મહારાષ્ટ્રના બદલાપુરની એક શાળામાં વિદ્યાથનીઓના કથિત જાતીય શોષણ વિશે પૂછવામાં આવ્યું હતું.
અભિનેત્રીએ કહ્યું, ’આવી ઘટનાઓ સામે ગુસ્સો હોવો જોઈએ અને માત્ર આજે જ નહીં, આ ગુસ્સો ઘણા સમય પહેલા થવો જોઈતો હતો. અને તે પસંદગીયુક્ત ન હોવું જોઈએ કે તે માત્ર એક કિસ્સામાં રાજકીય છેપ આ બધી ઘટનાઓ અત્યંત જોખમી છે. અભિનેત્રીએ આગળ કહ્યું, ’જો આપણે આ ઘટનાઓને પસંદગીપૂર્વક જોતા રહીશું, તો આપણે મૂળ સુધી પહોંચી શકીશું નહીં. આ બધું ખૂબ જ શરમજનક છે’.
પીઢ અભિનેત્રી શબાના આઝમીએ કહ્યું કે લોકોની પિતૃસત્તાક માનસિક્તા ખતમ કરવાની જરૂર છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે ૨૦૧૨ના નિર્ભયા ગેંગ રેપ અને મર્ડર કેસ બાદ જાતીય સતામણીના કેસોમાં કોઈ ઘટાડો થયો નથી.