ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. વરસાદી પાણીએ વડોદરા અને સૌરાષ્ટ્રની સ્થિતિ ખરાબ કરી છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ફોન કરીને ગુજરાતની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. નોંધનીય છે કે, પીએમ મોદીએ બુધવારે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ફોન કરીને ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગેની માહિતી મેળવી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર જણાવ્યું છે કે, સતત બીજા દિવસે પીએમ મોદીએ ફોન કરીને ગુજરાતની સ્થિતિ અંગેની જાણકારી મેળવી છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ‘સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે પુન: એકવાર મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓના અસરગ્રસ્ત લોકો માટે રાહતના પગલાંઓ સહિતની બાબતોની જાણકારી તેમણે મેળવી હતી.
વડોદરામાં વિશ્ર્વામિત્રી નદીના પૂર અંગે ચિંતા વ્યક્ત કરીને તેમણે અસરગ્રસ્ત લોકોને આપવામાં આવી રહેલા રાહત અને સહાય અંગેની વિગતો મેળવી હતી. જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોય ત્યાં સ્વચ્છતાની સ્થિતિ તેમજ જનઆરોગ્ય સહિતની બાબતો અંગે તેમજ જનજીવન ઝડપથી પૂર્વવત થાય તે અંગે પ્રધાનમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું અને ફરી એકવાર કેન્દ્ર સરકાર તરફથી તમામ સહયોગની ખાતરી આપી હતી.’ સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રીએ આજે સવારે પુન: એકવાર મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી.
હવામાન વિભાગે આપેલા ૨૪ કલાકનાં આંકડા પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં (બુધવારે સવારે ૬થી આ ગુરૂવારનાં સવારે ૬ વાગ્યા સુધી) દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં સૌથી વધુ ૧૧.૮ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ સાથે કચ્છના અબડાસામાં ૧૧ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કલ્યાણપુરમાં ૧૦.૫૨ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ખંભાળિયામાં ૯ ઇંચ વરસાદ વરસ્યો છે. એટલે કે, બુધવારે સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબક્યો હતો. ૨૪ કલાકનાં આંકડા પ્રમાણે, નખત્રાણા, દ્વારકા અને જામજોધપુરમાં ૮ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. કચ્છનાં માંડવી, કાલાવાડ, લાલપુરમાં ૬ ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. આ સાથે પોરબંદર, રાજકોટ, જામનગર, રાણાવાવ, અંજાર, જામકંડોરણા, કુતિયાણા, ધોરાજી, લોધિકામાં ચાર ઇંચ અને તેથી વધારે વરસાદ નોંધાયો છે.