વલસાડ જિલ્લાના ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં એક શ્રમિક પરિવારની ત્રણ વર્ષની બાળકી પર એક નારાધમે દુષ્કર્મ આચર્યું. પોલીસે મામલાને ગંભીરતાથી લઈ સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ શરૂ કરી ગણતરીના સમયમાં જ આરોપી ગુલામ મુસ્તફા વતન ઝારખંડ ભાગી જાય તે પહેલા ટ્રેનમાં જ મહારાષ્ટ્રમાંથી ધબોચી લીધો હતો અને તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ પોક્સો અને દુષ્કર્મ સહિત ફાંસીની સજા થાય તે મુજબની કલમો લગાવી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ગુલામ મુસ્તફા પીડિતાના પિતાનો મિત્ર જ હતો અને પીડિતાના પિતાએ જ આરોપીને એક કંપનીમાં કામે પણ લગાવ્યો હતો. નરાધમ ગુલામ મુસ્તફાએ જે પરિવારે તેને રોજીરોટી અપાવી તે જ પરિવારની માસુમ ત્રણ વર્ષની બાળકી પર નજર બગાડી અને તેને પીંખી નાખી. સમગ્ર ઉમરગામમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.
પીડિતાના પરિવાર અને ઉમરગામવાસીઓ સહિત હિંદુ સંગઠનોના કાર્યર્ક્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હજારો લોકોના ટોળાએ ઉમરગામ પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો. બનાવની ગંભીરતાથી લઈ વલસાડ જિલ્લા એસપી ડૉ. કરણરાજ વાઘેલા સહિત જિલ્લાભરની પોલીસના ઉચ્ચ અધિકારીઓનો પોલીસનો કાફલો ઉમરગામ ખડકી દેવામાં આવ્યો અને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો.
વલસાડ પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક આરોપીની ધરપકડ કરી ગુલામ મુસ્તફાને દાખલારૂપ સજા થાય તે માટે કાર્યવાહી હાથ ધરી છે.કેસની તળિયાઝાટક તપાસ માટે વલસાડ જિલ્લા પોલીસવડાએ ડીવાયએસપીની આગેવાનીમાં જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને અને પોલીસ કર્મીઓની એક એસઆઇટીની રચના કરી અને માત્ર ૨ જ અઠવાડિયામાં આરોપી વિરુદ્ધ તપાસ પૂર્ણ કરી તેના વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે તે માટે કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વપૂર્ણ છે કે કલકત્તા અને ઉત્તર પ્રદેશમાં બનેલી ઘટનાને કારણે સમગ્ર દેશમાં અત્યારે આ મામલે માહોલ ગરમાયેલો છે. લોકોમાં આક્રોશ છે. ત્યારે ઉમરગામમાં માત્ર ત્રણ વર્ષની માસુમ બાળકી પર એક વીધર્મી નરાધમે આચરેલા દુષ્કર્મ બાદ સમગ્ર વલસાડ જિલ્લામાં લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આરોપીને કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક ફાંસીની સજા થાય તેવી માંગ સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આથી સમગ્ર વલસાડ જિલ્લાને દક્ષિણ ગુજરાતની પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉમરગામ ખડકી દેવામાં આવ્યો છે.