
દિલ્હી-એનસીઆરમાં મોડી રાતથી વરસાદને કારણે રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ સહિત દિલ્હી દ્ગઝ્રઇમાં લોકો ટ્રાફિક જામનો સામનો કરી રહ્યા છે. રાતભર પડેલા ભારે વરસાદ બાદ પાણી ભરાવાને કારણે દિલ્હીના ઘણા ભાગોમાં ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો છે. તે જ સમયે, નોઈડામાં ચિલ્લા બોર્ડરથી મહામાયા તરફ જતા રસ્તા પર લાંબો જામ છે.
દિલ્હી-એનસીઆરમાં વરસાદની સાથે હળવો પવન પણ ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાત્રીના વાતાવરણમાં ઠંડકનો અહેસાસ જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ મોડી રાત્રે એનસીઆરમાં ભારે વરસાદ પડ્યો હતો અને પછી તે વચ્ચે-વચ્ચે ચાલુ રહ્યો હતો. આજે પણ મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ હવે થોડો હળવો થયો છે. વરસાદના કારણે દિલ્હીની ગીતા કોલોનીમાં પાણી ભરાઈ ગયા હતા. કનોટ પ્લેસ, મિન્ટો રોડ, મુનિરકા, આરકે પુરમ, મહેરૌલી અને પ્રહલાદપુર સહિત નોઈડા અને દિલ્હી-એનસીઆરના મોટાભાગના વિસ્તારોમાં આખી રાત વરસાદ પડ્યો હતો. ધૌલા કુઆનના વિઝ્યુઅલમાં જોઈ શકાય છે કે વરસાદ બાદ પાણી ભરાવાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
દિલ્હી કેન્ટ વિસ્તારના પરેડ ગ્રાઉન્ડ અંડરપાસમાં પાણી ભરાવાને કારણે પણ સમસ્યા સર્જાઈ છે. મહેરૌલી-બદરપુર રોડ પર પણ હાલત ખરાબ છે. તિગરી વિસ્તારમાંથી પાણી ભરાયાનું દ્રશ્ય સામે આવ્યું છે. ફરીદાબાદ બદખાલ સેક્ટર ૨૮ સ્થિત કેન્દ્રીય રાજ્ય મંત્રીના ઘરની સામેના રસ્તા પર વરસાદી પાણી જમા થયા છે. બીજી તરફ અંડરપાસમાં કાર ફસાઈ ગઈ હતી. લોકો રેલવે લાઇન ક્રોસ કરીને ઘરે પહોંચ્યા હતા. સેક્ટર ૩૩માં વરસાદી પાણી ભરાઇ જતાં લોકોને અવર-જવર કરવી મુશ્કેલ બની હતી.