હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદના કારણે નદી-નાળા તથા મોટા જળાશયો ઉભરાઈ રહ્યા છે. ત્યારે ઘોઘંબા તાલુકામાં આવેલ કરાડ નદીના પાલ્લા ડેમમાં પાણીની આવક વધી જતાં હાલમાં ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. ડેમ ઓવર ફ્લો થતા મઠ,ગમીરપુરા અને જેકણપુરા જેવા જુદા જુદા ગામોના રસ્તાના સંપર્ક કપાયા છે.
મહાદેવ મંદિર, સ્મશાન અને મઠગમીરપુરાને જોડતું નાડા ઉપરથી પાણી વહેતા રસ્તો ગત રાત્રિ થી આ બંધ કરી દેવામાં આવ્યો છે અને રાજગઢ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ આર.એસ. રાઠોડના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ પણે સુરક્ષા અને બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવેલ છે. હોમગાર્ડ યુનિટ ઘોઘંબા દ્વારા ખડા પગે હોમગાર્ડ જવાનો ઊભા રહી ગત રાત્રિ થી અત્યાર સુધી સુરક્ષા અને સલામતીની ફરજ બજાવી રહ્યા છે.
ઘોઘંબા તાલુકામાં વરસી રહેલ વરસાદના કારણે કરાડ જળાશયમાં પાણીની આવક વધતા આસપાસના લોકોમાં ખુશીનો માહોલ ફેલાઈ રહ્યો છે. તેમ જ વહીવટી તંત્ર દ્વારા તમામ લોકોને વરસાદી માહોલમાં સુરક્ષાના ભાગરૂપે આગમચેતી પગલા લેવા માટેની પણ સલાહ સૂચન આપવામાં આવેલ છે.