સમગ્ર રાજયમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો સામે વહીવટી તંત્રના પણ બચાવ અને રાહતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી પ્રજાના પડખે ઉભી રહી પરિવારનો અહેસાસ કરાવ્યો છે. છેલ્લા 72 કલાકમાં સાર્વત્રિક વરસાદના કારણે મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના બામણવાડા ગ્રામ પંચાયતના હરીપુરા ગામ ખાતે રાત્રિના સમયે ભારે વરસાદના પગલે કાચુ મકાન ધરાશાઈ થતાં પટેલિયા લખમણભાઈ સનાભાઈ તેમજ પટેલિયા કૈલાશબેન સનાભાઈ દંપતિનુ મૃત્યુ થયુ હતુ.
જેની જાણ તંત્રને થતાં જિલ્લા કલેકટર નેહા કુમારી અને જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલના માર્ગદર્શન હેઠળ ટીમ ધટના સ્થળે પહોંચી તાત્કાલિક સર્વે કરી માનવ મૃત્યુ અંગેની ચકાસણી કરી વહીવટી તંત્રએ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. તેમજ કુદરતી હોનારતનો ભોગ બનનાર પરિવારજનોને 24 કલાકમાં જ રૂ.4-4 લાખની મૃત્યુ સહાયનો ચેક મૃતકના માતાને અર્પણ કરી તેમના દુ:ખમાં સહભાગી બન્યા હતા.