જેલમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને મંગળવારે કહ્યું કે તેમની હાલત માટે આર્મી અને ઈન્ટર સવસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ) જવાબદાર છે. ખાનને ડર હતો કે તેનો જીવ જોખમમાં છે.
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના સ્થાપક ખાન ગયા વર્ષથી રાવલપિંડીની ઉચ્ચ સુરક્ષાવાળી અદિયાલા જેલમાં બંધ છે. તેમણે વર્તમાન સરકારને ટીકાકારો પ્રત્યેની નફરત અને કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિ માટે જવાબદાર ઠેરવ્યા હતા. તેણે સતત પરાજયનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં ક્રિકેટની સ્થિતિની પણ ટીકા કરી હતી.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટમાં ખાને દાવો કર્યો હતો કે ચૂંટણીમાં ધાંધલ ધમાલ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે માત્ર સાચા આદેશવાળી સરકાર જ પરિસ્થિતિ સુધારવાની યોજના બનાવી શકે છે. તેમણે કહ્યું કે, આઇએસઆઇ જેલની બાબતોને નિયંત્રિત કરી રહી છે. હું ફરી કહું છું કે જો મને કંઈ થશે તો તેના માટે આર્મી ચીફ અને આઈએસઆઈના ડાયરેક્ટર જનરલ (ડીજી) જવાબદાર હશે.
પૂર્વ વડાપ્રધાનની આ ટિપ્પણી શહેબાઝ શરીફ સરકારની જાહેરાત બાદ આવી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઈમરાન ખાન વિરુદ્ધ હિંસાના મામલાની સૈન્ય અદાલતમાં સુનાવણી થઈ શકે છે. ગયા વર્ષે ૯ મેના રોજ ખાનની ધરપકડ બાદ હિંસક પ્રદર્શનો થયા હતા. જેમાં તેમની પાર્ટીના કાર્યર્ક્તાઓએ ઘણી સૈન્ય સંસ્થાઓને નિશાન બનાવી હતી. તેમણે તેના પર અગાઉના બે હુમલાઓની યાદ અપાવી અને કહ્યું કે વજીરાબાદમાં સીસીટીવી ફૂટેજ ચોરાઈ ગયા હતા અને હુમલા પહેલા આઈએસઆઈએ વિસ્તારોને નિયંત્રિત કર્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે જેલમાં તેમની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે અને તેમના ભોજનને સુરક્ષિત રાખવા માટે તૈનાત સ્ટાફને ચોથી વખત બદલવામાં આવ્યો છે. ખાને કહ્યું કે આખી સરકાર જુઠ્ઠાણા પર ચાલે છે. હું તેમના સમાચાર વાંચતો નથી. અમારી વચ્ચેની વાતચીત માત્ર દેશ અને બંધારણ માટે જ થશે.